બ્રહ્માંડનો ગૂગલ મેપ તૈયાર; અંતરિક્ષના રહસ્યો હાથવેંતમાં

અૉસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ રેકર્ડ સ્પીડમાં માપી 30 લાખ ગેલેકસી
કૈનબેરા તા.ર: ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ એક નવા અને શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી 30 લાખ ગેલેકસીઓનું રેકોર્ડ સ્પીડથી મેપ કરી લીધુ છે. વૈજ્ઞાનિકો આને બ્રહ્માંડનો ગૂગલ મેપ ગણાવી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયન સ્કવેયર કિમી એરે પાથફાઇન્ડર (એએસકેએપી) એક રેડિયો ટેલીસ્કોપ છે જે પશ્ચિમ ઓસ્ટ્રેલિયા સ્થિત છે. તેણે માત્ર 300 કલાકમાં ગેલેકસી મેપ કર્યુ છે. અગાઉ આ કામ કરવામાં વર્ષો લાગી જતાં.
ઓસ્ટ્રેલિયાની વિજ્ઞાન એજન્સી સીએસઆઈઆરઓ મુજબ આ સર્વેનું પરિણામ બ્રહ્માંડના એટલસ તરીકે સામે આવ્યું છે. આ એજન્સીએ જ ટેલીસ્કોપ તૈયાર કર્યુ છે અને તેને ઓપરેટ કરે છે. એજન્સીના સીઈઓ લૈરી માર્શલે એક નિવેદનમાં જણાવ્યું કે એએસકેએપી લેટેસ્ટ સાઈન્સ અને ટેકનોલોજીના ઉપયોગથી બ્રહ્માંડના રહસ્યો સાથે જોડાયેલા સદીઓ જૂના સવાલોના જવાબ શોધી રહી છે અને દુનિયાભરના એસ્ટ્રોનોમર્સને તેમના પડકારો ઉકેલવા માટે નવી તકો આપી રહ્યું છે.
નવા મેપમાં સમગ્ર આકાશનો 83 ટકા ભાગ જોવા મળે છે. તેમાં જેવી ગેલેકસી જોવા મળે છે તેવું અગાઉ કયારેય જોવા મળી નથી. વૈજ્ઞાનિકોએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે ભવિષ્યમાં કરવામાં આવનાર સર્વેમાં લાખો ગેલેકસીઓ મળી આવશે. દુનિયાભરના એસ્ટ્રોનોમર્સને બ્રહ્માંડને જાણવા તથા તારાઓનું બનવું તથા ગેલેકસી અને વિશાળ બ્લેક હોલના ઈન્ટરેકશન અંગે માહિતી મળી શકશે. એએસકેએપી આશરે 36 ડિશ એન્ટેનાનું બનેલું છે. જે સાથે મળીને આકાશની પનોરમા મોડમાં તસવીરો લે છે. આખા આકાશનો મેપ બનાવવા માત્ર 903 તસવીરોને જોડવાની રહે છે.
આ શોધથી બ્રહ્માંડ કેવી રીતે બન્યુ તેનું સ્ટ્રકચર કેવું છે તે રહસ્ય સમજવામાં મદદ મળશે. આવનારી પેઢીઓ માટે આ આવિષ્કાર મહત્ત્વપૂર્ણ બની રહેશે.
Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer