ઊર્મિલા માતોંડકરનો શિવસેના પ્રવેશ

કૉંગ્રેસ માટે આત્મનિરીક્ષણ કરવાનો સમય : રાજેન્દ્ર દરડા
ઔરંગાબાદ,  તા. 2 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને કૉંગ્રેસના નેતા રાજેન્દ્ર દરડાએ જણાવ્યું હતું કે ઊર્મિલા માતોંડકરના શિવસેનામાં પ્રવેશથી કૉંગ્રેસને નુકસાન થશે અને પાર્ટીએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. દરડાએ ટ્વીટર પર જણાવ્યું હતું કે મરાઠીમાં નિપુણ માતોંડકર સેના માટે બહુમૂલ્ય સાબિત થશે. કૉંગ્રેસ માટે આત્મનિરીક્ષણ કરવાનો અને શિવસેના માટે ખુશ થવાનો સમય છે. 
46 વર્ષીય માતોંડકરે મંગળવારે શિવસેનાના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિમાં બાંદરાસ્થિત તેમના નિવાસસ્થાન `માતોશ્રી'માં યોજાયેલા કાર્યક્રમમાં પક્ષમાં પ્રવેશ ર્ક્યો હતો. શિવબંધન બાંધ્યા બાદ માતોંડકરે જણાવ્યું હતું કે રાજ્યપાલ નિયુક્ત જગ્યા માટે મારું નામ સૂચવવામાં આવ્યું છે પણ હું શિવસૈનિક તરીકે જ કામ કરીશ. મને પદની કોઈ અપેક્ષા નથી. 
ભાજપ માટે ખતરાની ઘંટી?
મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે અને લોકસભા ચૂંટણી તથા વર્તમાનના શિવસેના અને ભાજપના સંબંધો જોતાં આ પ્રવેશથી સેનાને મોટી મદદ મળશે. ઊર્મિલા માતોંડકરે લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રચારસભાઓ ગજવી હતી. તે મરાઠી મતદારોને આકર્ષવામાં સફળ થઈ હતી. મોદી લહેર હોવા છતાં તેને 2.40 લાખ કરતાં વધુ મત મળ્યા હતા. ભાજપના ગોપાલ શેટ્ટીને ચાર લાખ મતના ફરકથી વિજય મળ્યો. આ વિજય મોટો હોય તો પણ કૉંગ્રેસને માતોંડકરને લીધે મળેલા મત પણ મહત્ત્વના ઠરે છે. 
મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી ભાજપ અને શિવસેનાએ પ્રતિષ્ઠાની બનાવી છે. ઉત્તર મુંબઈ લોકસભા મતદારસંઘમાં બોરીવલી, દહિસર, માગાઠાણે, કાંદિવલી (પૂર્વ), ચારકોપ અને મલાડ (પશ્ચિમ) વિધાનસભા મતદારસંઘનો સમાવેશ થાય છે. એમાંથી ચાર વિધાનસભ્ય ભાજપના અને એક-એક વિધાનસભ્ય શિવસેના અને કૉંગ્રેસના છે.
Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer