ચક્રવાતી તોફાન બુરાવી સામે તામિલનાડુ સતર્ક

નવી દિલ્હી, તા. 2 : બંગાળની ખાડી પર બનેલા ભારે દબાણના ક્ષેત્રએ મજબૂત બનીને ચક્રવાતી તોફાન બુરેવીનું રૂપ લઈ લીધા બાદ તામિલનાડુ અને કેરળ સાબદા બન્યા છે. અહીં ભારે વરસાદની એલર્ટ આપવામાં આવી છે અને એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. મોસમ વિભાગ અનુસાર આજે રાત દરમ્યાન ચક્રવાત બુરેવી શ્રીલંકાઈ તટને પાર કરીને તામિલનાડુ પહોંચવાની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે શ્રીલંકાના ત્રિંકોમાલી પહોંચ્યા બાદ બુરેવી તામિલનાડુ આવી શકે છે. દરમ્યાન, તામિલનાડુના ધનુષકોડી નજીકના પાલમમાંથી 360 લોકોને થાંગચીમડમના નારાયણપુર શિબિરમાં મૂકવામાં આવ્યા હતા. જેમાં 120-120 પુરુષ અને મહિલા અને 30 બાળકોનો સમાવેશ થાય છે.
મોસમ વિભાગ (આઈએમડી)એ જણાવ્યું હતું કે મન્નારની ખાડી અને તામિલનાડુમાં કન્યાકુમારી  આસપાસ બુરાવી આવવાની આશંકા છે. આ ચક્રવાતી તોફાન દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધશે અને ચોથી ડિસેમ્બરની સવારે કન્યાકુમારી અને પમ્બનની વચ્ચે દક્ષિણ તામિલનાડુ તટને પાર કરશે.
આઈએમડીએ તામિલનાડુ અને દક્ષિણ કેરળમાં ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવી હતી. ચક્રવાતી તોફાનના એલર્ટને ધ્યાને લેતાં માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. તામિલનાડુ, કન્યાકુમારી અને કેરળના તટીય વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.
Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer