પુણે, તા. 2 (પીટીઆઈ) : શિરડી સાઈબાબા મંદિરમાં ભક્તોને શિષ્ટતાપૂર્ણ અથવા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વસ્રોમાં આવવાની સૂચના આપવામાં આવી છે. સામાજિક કાર્યકર તૃપ્તિ દેસાઈએ આની સામે વિરોધ દર્શાવતા કહ્યું છે કે ભક્તો અને પૂજારીઓ માટે જુદા જુદા માપદંડ શા માટે?
તૃપ્તિ દેસાઈએ મંગળવારે એક વીડિયો સંદેશામાં જણાવ્યું હતું કે મંદિરના ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવેલા આ પ્રકારના બોર્ડ બંધારણ દ્વારા આપવામાં આવેલી અભિવ્યક્તિની સ્વતંત્રતાનું અપમાન છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ બોર્ડ હટાવવામાં નહીં આવશે તો તેઓ પોતાના કાર્યકરો સાથે શિરડી આવીને બોર્ડ હટાવશે. મંદિરના પૂજારીઓનું અડધું અંગ ખુલ્લું હોય છે. પરંતુ કોઈ ભક્તોએ એની સામે વાંધો ઊઠાવ્યો નથી. દેશ-વિદેશમાંથી જુદા જુદા ધર્મ અને જાતિના લોકો શિરડીમાં દર્શનાર્થે આવતા હોય છે. મંદિરમાં કેવા પ્રકારનાં વસ્રો પહેરવા જોઈએ એ તેઓ જાણતા હોય છે. ભક્તોની શ્રદ્ધા તેમણે કેવા પ્રકારના વસ્રો પહેર્યા છે એ પરથી નક્કી કરી શકાય નહીં. શ્રદ્ધા મહત્ત્વની હોય છે. ભારતીય બંધારણે નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે અને કોણે શું બોલવું અને શું પહેરવું એ તેમનો વ્યક્તિગત પ્રશ્ન છે એવું પણ તેમણે જણાવ્યું હતું.
Published on: Thu, 03 Dec 2020