ભારતમાં કોરોનાના 94 ટકાથી વધુ દર્દી સાજા

ત્રીજા દિવસે 40 હજારથી ઓછા કેસ, મરણાંક 1.38 લાખ,  સક્રિય કેસો માત્ર 4.51 ટકા 
નવી દિલ્હી, તા. 2 :  ભારતમાં લગાતાર ત્રીજા દિવસે કોરોના સંક્રમણના નવા કેસોમાં ઘટાડો જારી રહ્યો છે. બુધવારે 40 હજાથી ઓછા, 36604 નવા કેસ સામે આવતાં કુલ્લ સંક્રમિતોની સંખ્યા 95 લાખ નજીક 94,99,413 થઈ ગઈ છે. 
દેશના વિવિધ ભાગોમાં 501 સંક્રમિતો `કોરોનાનો કોળિયો' બની જતાં કુલ્લ મરણાંક 1,38,122 થઈ ગયો છે. મૃત્યુદર 1.45 ટકા છે. 
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર ઓકટોબર માસની તુલનાએ નવેમ્બરમાં મૃતકો અને સંક્રમિતોના નવા કેસમાં 30 ટકાનો ઘટાડો આવ્યો છે. 
દેશના વિવિધ રાજ્યોમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 43 હજારથી વધુ સંક્રમિતોએ ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં કુલ્લ 89,32,647 સંક્રમિતો વાયરસ મુક્ત થઈ ચૂકયા છે. 
આમ, દર્દીઓ સાજા થવાનો દર એટલે કે, રિકવરી રેટ વધીને 94 ટકાને પાર કરી, 94.03 ટકા પર પહોંચી ગયો છે. 
આજની તારીખે દેશમાં સારવાર હેઠળ હોય તેવા સક્રિય કેસોની સંખ્યા ફરી ઘટીને 4,28,644 છે.  
આમ, સક્રિય કેસોનું પ્રમાણ કુલ્લ સંક્રમિતોની સંખ્યાના માત્ર 4.51 ટકા રહી ગયું છે. 
ભારતીય, તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)ના જણાવ્યાનુસાર, દેશમાં સવા 14 કરોડથી વધુ ટેસ્ટ થઈ ચૂકયા છે.
Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer