ખેડૂતોને ટ્રાન્સપોર્ટરોનો ટેકો : આઠ ડિસેમ્બરથી ચક્કાજામની તૈયારી

પ્રમોદ મુજુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 2 : ત્રણ કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને ટેકો જાહેર કરનાર ટ્રાન્સપોર્ટરોએ આગામી 8 ડિસેમ્બરથી દેશવ્યાપી હડતાલ પર જવાનું આહવાન કર્યુ ંછે. ટ્રાન્સપોર્ટ યુનિયનોએ ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કરવાની સાથે બુધવારે ઉત્તર ભારતીય રાજ્યો બાદ પૂરા દેશમાં આવશ્યક વસ્તુઓની હેરાફેરી રોકવાની ધમકી આપી છે. લગભગ એક કરોડ માલવાહક ટ્રક ડ્રાઇવરોનું પ્રતિનિધિત્વ કરનારી સર્વોચ્ચ ટ્રાન્સપોર્ટ બૉડી અૉલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (એઆઈએમટીસી)એ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં 8 ડિસેમ્બરથી હડતાલ પર જવાનું આહવાન કર્યુ છે.
એઆઈએમટીસીના અધ્યક્ષ કુલતારન સિંહ અટવાલે કહ્યું કે, 8 ડિસેમ્બરથી અમે ઉત્તર ભારતમાં તમામ કામકાજ બંધ કરશું અને અમારા તમામ વાહનોને ઉત્તર ભારતીય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દિલ્હી, હરિયાણા,યુપી, પંજાબ, હિમાચલ અને જમ્મુમાં અટકાવી દેશું.
એઆઈએમટીસીએ જણાવ્યું હતું કે, ખેડૂતો તેમના અધિકારો માટે લડત ચલાવી રહ્યા છે. ભારતના રોડ પરિવહન ક્ષેત્રની જેમ કૃષિ ક્ષેત્ર હકીકતમાં દેશની કરોડરજ્જૂ  સમાન છે. દેશના 70 ટકાથી વધુ ગ્રામીણ પરિવારો ખેતી પર નિર્ભર છે. જ્યારે દેશની 65 ટકા જેટલી ટ્રકો કૃષિ માલની હેરાફેરીના કાર્યમાં જોડાયેલી છે.
Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer