ફોન ટેપિંગથી મોટો ધડાકો ? આંદોલન વિપક્ષે હાઈજૅક કર્યાની શંકા

નવી દિલ્હી, તા. 2 : કિસાન આંદોલનની બાગડોર સંભાળતા સંગઠનો અને સરકાર વચ્ચેની વાટાઘાટો અનિર્ણિત રહી છે. જો કે આ બેઠક મળે તે પહેલા જ એવા સંકેત મળી રહ્યા હતાં કે આ મડાગાંઠનો કોઈ ઉકેલ આવી શકશે નહીં. હવે કેન્દ્ર સરકારનાં વિશ્વસનીય સૂત્રોનાં હવાલેથી એવા અહેવાલો આવી રહ્યા છે કે કિસાન આંદોલનને લઈને કોઈ મોટો ધમાકો થઈ શકે છે. 
જેની આશંકા કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહ, હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને અન્ય ભાજપ નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે તેનાં કેટલાંક સબૂત હવે સાર્વજનિક કરવાની તૈયારી થઈ રહી છે.
આ કિસાન આંદોલન ઉપર બારીક નજર રાખી રહેલી કેન્દ્રીય એજન્સીઓની મદદથી સરકાર એવું પુરવાર કરવાનાં પ્રયાસોમાં છે કે આ આંદોલન હાઈજેક થઈ ગયેલું છે. એજન્સીઓની ફોન ટેપિંગની જાળમાં અગ્રણી કિસાન નેતાઓ, વિપક્ષી દળ, એક રાજ્યનાં મોટા અમલદાર અને અન્ય કેટલાંક સંગઠનોનાં પ્રતિનિધિઓ પણ ફસાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ખેડૂતોનાં વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે મંગળવારે જ કહ્યું હતું કે, પ્રદર્શનકારીઓમાં અનેક ખેડૂતો હોય તેવું લાગતું નથી. તેમણે આ આંદોલન પાછળ વિપક્ષનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. 
પંજાબનાં તમામ ખેડૂતો હરિયાણાનાં માર્ગેથી દિલ્હી પહોંચ્યા હોવાથી એનઆઈએનાં પૂર્વ આઈજી અને થોડા માસ પહેલા જ પોતાની મૂળ કેડર હરિયાણામાં પરત ફરેલા આલોક મિતલને સીઆઈડીનાં વડા બનાવાયા છે. સૂત્રોનાં કહેવા અનુસાર સીઆઈડીએ કિસાન આંદોલન સંબંધિત વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો છે. જેને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે વહેચવામાં આવ્યો છે. દિલ્હીની સીમાઓ ઉપર કેન્દ્રીય એજન્સીઓ પોતાનાં સ્તરે આંદોલન સંબંધિત ગુપ્ત જાણકારીઓ એકત્ર કરી રહી છે. આ વિશે યોગેન્દ્ર યાદવે પણ આશંકા વ્યક્ત કરી હતી કે કેન્દ્ર સરકાર આંદોલનમાં આવી જાસૂસી કરાવશે તેવી આશંકા તો પહેલાથી જ હતી.
Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer