દાઉદની ત્રણ પ્રોપર્ટીની રૂપિયા એક કરોડથી વધુમાં લીલામી પણ મિરચીના ફલેટ ન વેચાયા

દાઉદની ત્રણ પ્રોપર્ટીની રૂપિયા એક કરોડથી વધુમાં લીલામી પણ મિરચીના ફલેટ ન વેચાયા
મુંબઈ, તા. 2 : અંડરવર્લ્ડના ડોન દાઉદ ઈબ્રાહિમની મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાંની ત્રણ પ્રોપર્ટીના લીલામીમાં એક કરોડ વધુ રૂપિયાની બોલી બોલાઈ હોવાનું અધિકારીઓએ બુધવારે કહ્યું હતું. 
આ લીલામી આ સપ્તાહની શરૂઆતમાં યોજાઈ હતી. સ્મગ્લર્સ ઍન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (ફોરફીચર અૉફ પ્રોપર્ટી) એક્ટ (સાફેમા) હેઠળ લીલામીનું આયોજન કરવામાં આવ્યું હતું. 
30 ગુંઠા  ( એક ગુંઠા એટલે અંદાજે 1089 ચોરસ ફૂટ)નો પ્લોટ, 50 ગુંઠાનો બીજો એક પ્લોટ અને એક બિલ્ડિંગ  લીલામીમાં રવીન્દ્ર કાટેએ ખરીદી હતી. દાઉદની આ ત્રણે પ્રોપર્ટી ખેડ તાલુકામાં લોટે ગામમાં જ આવેલી છે. 
આ ત્રણે પ્રોપર્ટીનો અનામત ભાવ 1,09,15,500 રાખવામાં આવેલો, પણ લીલામી  1,10,01,051 રૂપિયામાં થઈ હતી. આ ત્રણે પ્રોપર્ટી હાઈવેની સાવ નજીક છે. નવેમ્બરમાં દાઉદની છ પ્રોપર્ટી સાથે આ ત્રણે પ્રોપર્ટીની લીલામી રખાઈ હતી, પણ કેટલાક ટેક્નિકલ કારણોસર લીલામી અટકાવી દેવામાં આવી હતી. આગામી દિવસોમાં દાઉદની ખેડ તાલુકામાંની અન્ય પ્રોપર્ટીની પણ લીલામી યોજવામાં આવશે. 
લીલામી ઈ-અૉક્શન, પબ્લિક અૉકશન અને સીલ્ડ ટેન્ડર અૉકશન દ્વારા યોજવામાં આવી હતી. રવીન્દ્ર કાટેએ સીલ્ડ ટેન્ડર અૉકશનમાં આ ત્રણેય પ્રોપર્ટી ખરીદી હતી. તે ખેડનો રહેવાસી છે. 
જોકે, ઈકબાલ મિરચીના જુહુ તારા રોડ પરના બે ફ્લેટનો અનામત ભાવ અત્યંત ઊંચો હોવાથી કોઈ ખરીદાર મળ્યો નહોતો. એક અધિકારીએ કહ્યું હતું કે કોરોનાને કારણે પ્રોપર્ટી માર્કેટમાં મંદી છે એટલે આ પ્રોપર્ટીનું રિવેલ્યુએશન કરવામાં આવશે. એ પછી ફરી તેની લીલામી યોજાશે. 
Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer