અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 2 :કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા પંજાબ, હરિયાણાના ખેડૂતોએ સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગણી કરી છે. ખેડૂતોએ જણાવ્યું કે જો કૃષિ કાયદા અંગેની તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં થાય તો તેઓ આગળની રણનીતિ તૈયાર કરશે.
પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના નેતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે જો સરકાર ત્રણેય કૃષિ કાયદાને પાછા નહીં ખેંચે તો અમે દિલ્હીની સડકોને બ્લૉક કરશું. ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું કે જો સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો અમે અન્ય વિકલ્પો વિચારીશું. તો અન્ય નેતાએ માંગણી કરી હતી કે કેન્દ્રએ કૃષિ કાયદાઓને રદ કરવા સંસદનું ખાસ સત્ર બોલાવવું જોઇએ. જ્યારે દર્શન પાલ સિંહે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર ખેડૂતોના સંગઠનોમાં ફૂટ પડાવવાની કોશિશ કરી રહી છે.
Published on: Thu, 03 Dec 2020
સંસદના ખાસ અધિવેશનની ખેડૂતોની માગ
