ફિલ્મસિટી આંચકી લેવા મુંબઈ નથી આવ્યો

ફિલ્મસિટી આંચકી લેવા મુંબઈ નથી આવ્યો
સગવડ અને સુરક્ષા હશે ત્યાં લોકો આવશે : યોગી આદિત્યનાથ 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 2 : મુંબઈની મુલાકાતે આવેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે મુંબઈમાંથી બૉલીવૂડનો બિઝનેસ અમે આંચકી લેવા નથી માગતા, પણ આ એક ખુલ્લી સ્પર્ધા છે અને જે રાજ્ય સરખું વાતાવરણ અને સુરક્ષા આપશે, જ્યાં પ્રતિભાને ખીલવાની તક મળશે એને મૂડીરોકાણ મળશે. 
યોગી આદિત્યનાથની મુંબઈ મુલાકાત પૂર્વે મહારાષ્ટ્રમાં સરકારના ઘટક પક્ષ કૉંગ્રેસે કહ્યું હતું કે મુંબઈની ફિલ્મસિટીને છીનવી લેવાનું કાવતરુ રચાયું છે. 
આદિત્યનાથે કહ્યું હતું કે કોઈના મૂડીરોકાણને આંચકી લેવા કે એમાં વિઘ્ન નાખવામાં અમને રસ નથી. કોઈ કોઈનું કંઈ લઈ ન શકે. આ કોઈ પર્સ નથી કે આંચકી લેવાય. આ એક ખુલ્લી સ્પર્ધા છે. જે કોઈ સલામત વાતાવરણ આપશે, સારી સવલત આપશે અને ખાસ કરીને ભેદભાવ વગર કામ કરી શકાય એવી સામાજિક સુરક્ષા આપશે એને મૂડીરોકાણ મળશે. 
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે બૉલીવૂડને ખતમ કરવાની કે પછી એનું અન્ય રાજ્યમાં સ્થળાંતર કરવાની જે ચાલ રમાઈ રહી છે, એને ક્યારેય સહન કરવામાં નહીં આવે. તેમણે કહ્યું હતું કે મુંબઈ આર્થિક રાજધાનીની સાથે સાથે સાંસ્કૃતિક રાજધાની તરીકે પણ ઓળખાય છે. હૉલીવૂડને ટક્કર મારે એવી ફિલ્મો બૉલીવૂડમાં આજે બને છે. બૉલીવૂડને બદનામ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. 
મુંબઈ જેવી ફિલ્મસિટી બીજા રાજ્યમાં ઊભી કરવા એ કંઈ ખાવાના ખેલ નથી એવા શિવસેનાના સાંસદ સંજય રાઉતના નિવેદનનો જવાબ આપતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે અમે કંઈ લઈ જવા માટે અહીં નથી આવ્યા. અમે કંઈક નવું ઊભું કરી રહ્યા છીએ. એની તમને ચિંતા શા માટે થાય છે? અમે બધાને આંતરરાષ્ટ્રીય સ્તરની પાયાની સવલત આપવા માગીએ છીએ. સૌએ પરિપક્વતા દાખવવાની જરૂર છે. વિચારોને વ્યાક બનાવવાની જરૂર છે. સારી સવલત આપવાની જરૂર છે. આ જ્યાં મળશે ત્યાં લોકો આવશે. 
તેમણે કહ્યું હતું કે હું બૉલીવૂડના ડિરેક્ટરો, પ્રોડ્યુસરો અને એક્ટરો સહિતના એક્સપર્ટ્સને મળ્યો છું. નોઈડામાં પ્રસ્તાવિત ફિલ્મસિટી માટે તેમની પાસેથી સૂચનો લીધા છે. આ ફિલ્મસિટી સેકટર 21માં 1000 એકરમાં પથરાયેલી હશે.   
આ પ્રસ્તાવિત ફિલ્મસિટી જેવાર પાસે ઊભા થઈ રહેલા આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટથી માત્ર છ કિલોમીટર દૂર હશે અને દિલ્હી, આગ્રા અને મથુરા સાથે પણ ફિલ્મસિટી કનેકટેડ હશે. 
તેમણે કહ્યું હતું કે મારી સરકારે મન ફાવે એ રીતે પ્રોજેક્ટ તૈયાર કર્યા નથી. કેટલાક ક્ષેત્ર માટે ખાસ નીતિ તૈયાર કરવામાં આવી છે. લાંબા ગાળાનો વિચાર કરવામાં આવ્યો છે. એક્સપર્ટ્સ સાથેની બેઠકોને કારણે આવા પ્રોજેક્ટમાં સુધરા-વધારા કરી શકાય છે. 
મનસે પણ મેદાનમાં 
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ યોગી આદિત્યનાથની મુંબઈ મુલાકાતની ટીકા કરી છે. યાગી આદિત્યનાથ ટ્રાઈડન્ટ હૉટેલમાં ઉતર્યા છે અને મનસેના કાર્યકરોએ હૉટેલની બહાર પોસ્ટરબાજી કરી હતી. પોસ્ટરોમાં યોગી આદિત્યનાથને ઠગની ઉપમા આપવામાં આવી હતી.. 
પોસ્ટરમાં એવુ પણ સૂત્ર લખવામાં આવ્યું હતું કે કહાં રાજા ભોજ ઔર કહાં ગંગુ તૈલી...ક્યાં મહારાષ્ટ્રનો વૈભવ તો ક્યાં યુપીનું દારિદ્રય. 
પોસ્ટરમાં એવું પણ લખાણ હતું કે ભારતીય ફિલ્મસૃષ્ટિના જનક દાદાસાહેબ ફાળકેએ સ્થાપેલી ફિલ્મસિટીને યુપીમાં લઈ જવાનું મુંગેરીલાલનું સપનું છે. પોતાના રાજ્યમાંની બેરોજગારીને છૂપાવવા મુંબઈના ઉદ્યોગ છીનવી લેવા આવેલો ઠગ.
અક્ષય કુમાર તથા અન્યો સાથે બેઠક કરી 
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મંગળવારે રાત્રે બે દિવસની મુંબઈની મુલાકાત પર છે, તેઓ, ટ્રાઈડન્ટ હૉટેલમાં ઉતર્યા હતા. આવતાવેંત તેમણે અભિનેતા અક્ષયકુમાર સાથે નોઈડાની પ્રસ્તાવિત ફિલ્મસિટી વિશે ચર્ચા કરી હતી. 
અક્ષય કુમાર, બોની કપૂર, સુભાષ ઘાઈ, મનમોહન શેટ્ટી, આનંદ પંડિત સહિત અનેક ફિલ્મી હસ્તી યોગી આદિત્યનાથને મળી હતી. 
શિવસેનાના સાંસદ સંજય રાઉતે અભિનેતા અક્ષયકુમારની બેઠકની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે બન્ને એક ફાઈવ સ્ટાર હૉટેલમાં મળ્યા  હતા. અક્ષય કુમારે કદાચ તેમને આંબલી પીપળી બતાવી હશે. મુંબઈની ફિલ્મસિટી કોઈ લઈ જવાની વાત કરે તો એ એક રમૂજ જ છે. એ કંઈ સહેલું નથી.  
સંજય રાઉતે સવાલ કરતા કહ્યું હતું કે નોઈડાની પ્રસ્તાવિત ફિલ્મસિટીનું સ્ટેટસ શું છે? મુંબઈ જેવી ફિલ્મસિટી પટણા કે લખનઊમાં તમે ઊભી કરી શકો? મુંબઈ જેવી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઊભી કરવાના ભૂતકાળમાં પ્રયાસો થયા છે. જોકે, મુંબઈનો ફિલ્મનો ઈતિહાસ અને ભૂતકાળ ભવ્ય છે.  
દક્ષિણ ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ મોટી છે. પશ્ચિમ બંગાળ અને પંજાબમાં પણ ફિલ્મસિટી છે. યોગીજી ત્યાં જઈને ત્યાંની ફિલ્મી હસ્તીઓ સાથે ચર્ચા કરવાના છે? એવો સવાલ રાઉતે કર્યો હતો. 
Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer