આજે ખેડૂતો સાથેની વાટાઘાટોમાં સમાધાન થશે ?

આજે ખેડૂતો સાથેની વાટાઘાટોમાં સમાધાન થશે ?
બન્ને પક્ષે મનોમંથન કર્યું
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 2 : નવા કૃષિકાયદાઓ સામે રસ્તા પર ઉતરી પડેલા આંદોલનકારી કિસાન સમુદાય સાથે ચાર કલાકથી વધુ લાંબી બેઠકમાં પણ મંગળવારે કોઇ જ ઉકેલ નહીં આવી શકતાં હવે કિસાનો અને સરકાર વચ્ચે આવતીકાલે ગુરુવારે યોજાનારી ચાવીરૂપ બેઠક પર સૌની મીટ છે. મોદી સરકાર કઇ રીતે કટોકટી જેવી સ્થિતિનો અંત લાવી શકે છે, તે જોવાનું છે. બંને પક્ષો પોતાના વલણને વળગી રહ્યા છે, ત્યારે કાલે સવારે ઊઠીને શું થાય છે, તેના પર દેશની નજર છે.
ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૃષિ કાયદાઓમાં કોઇ જાતની પીછેહઠ નકારી રહ્યા છે, ત્યારે લઘુતમ ટેકાના ભાવ જારી રખાશે કેમ, તેવા પ્રશ્નો સંદર્ભે કેન્દ્ર સરકાર કિસાનોના ભયનું શમન કરવાનો પ્રયાસ કરી શકે છે.
આવા પ્રયાસ કિસાન સમુદાયને આંદોલન જારી રાખવા પર ફેર-વિચારણા કરવાની ફરક પાડવા સાથે નૈતિક વિજયનો  દાવો કરવા પ્રેરી શકે છે. ખાસ ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં  ભાજપના સાથી દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતાપાર્ટી પણ પાકો પર લઘુતમ ટેકાના ભાવ જારી રાખવાની ખાતરીની માંગ મુદ્દે કિસાનોના પક્ષમાં આવી ગઇ છે.
અત્યારે  જારી આંદોલન પંજાબ પર પકડ મજબૂત કરવાની ભાજપની યોજના તેમજ કેન્દ્ર સરકારની દેશવ્યાપી `િકસાન તરફી' છબીને નુકસાન કરી શકે તેમ હોવાથી ભાજપ નેતૃત્વ પણ કિસાનોના વિરોધનું સાનુકૂળ સમાધાન થાય તેવું ઇચ્છે છે. કૃષિ કાયદાઓ પર ચર્ચા માટે સમિતિની રચનાની કેન્દ્રની બીજી ઓફર નકારી દીધાના બીજા દિવસે બુધવારે કિસાન સંગઠનો દિલ્હી-હરિયાણા સીમા પર ભાવિ રણનીતિ નક્કી કરવા માટે એકઠા થયા હતા. બીજી તરફ દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ભાવિ રણનીતિ ઘડવા માટે કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને અન્ય કેબિનેટ સાથી પીયૂષ ગોયલને મળીને ચર્ચા કરી હતી. સિંધુ સીમા પર 32 કિસાન સંગઠનોએ આજે બેઠક યોજીને ચર્ચા કરી હતી. ઓક્ટોબરમાં સરકારને  કૃષિ કાયદાઓ માટે સંભવિત જોગવાઇઓ  આપનાર કિસાનો કાલે ગુરુવારે પણ સરકારને ફરી લેખિતમાં આપશે.
નવા કૃષિ કાયદાઓના મુદ્દે જ શિરોમણિ અકાલી દળે જોડાણનો અંત કર્યા પછી ભાજપ પંજાબમાં પોતાનો પ્રભાવ વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. પંજાબમાં 2022ની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડી લેવા માટેની તૈયારીઓ અગાઉથી જ શરૂ કરી દેનાર કેસરિયા પક્ષ માટે કિસાનોનો રોષ શાંત કરવો કસોટી બની રહેશે.
Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer