મેરે બ્રધર કી દુલ્હન, ટાઈગર ઝિન્દા હૈ અને ભારત જેવી ફિલ્મનું દિગ્દર્શન કરનાર અલી અબ્બાસ ઝફરને પહેલી ફિલ્મ બનાવ્યા બાદ જ રાજકીય વિષય પર ફિલ્મ ભનાવવાનો વિચાર આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે મારે તાંડવને ફિલ્મ તરીકે બનાવવાની ઈચ્છા હતી. નિર્માતા હિમાંશુ મહેરા સાથે આ વિષયની વાતચાતી ચાલતી હતી ત્યારે હું આનું રટણ કરતો હતો. પરંતુ બાદમાં મને સમજાયું કે તેની કથાને અઢી કલાકની ફિલ્મમાં સમાવી નહીં શકાય. આથી અમે સુલ્તાન રજૂ થયાના બે સપ્તાહ બાદ એમેઝોન પાસે ગયા હતા. અલીની વેબ સિરીઝ તાંડવ હવે રીલિઝ થઈ રહી છે અને આ પ્રોજેકટમાં તેણે સૈફ અલી ખાન અને ડિમ્પલ કાપડિયા જેવા સ્ટારને ભેગા કર્યા છે. સ્ટાર કલાકારો વિશે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, હું થોડા સમયથી સૈફને ઓળખું છું અને મને તે સમર પ્રતાપસિંહની ભૂમિકા માટે એકદમ બંધબેસતો લાગ્યો હતો. જયારે અનુરાધાના પાત્ર માટે ડિમ્પલને મળવા ગયો ત્યારે તો ટૅનએટનું શૂટિંગ કરતા હતા. તે સમયે મને લાગ્યું કે તેમની અભિનય ક્ષમતાને ઉજાગર થવાની પૂરી તક સાંપડી નથી. તેઓ આ વિષય સાથે તરત જ સંમત થયાં હતાં. તાંડવ રજૂ થયા બાદ તરત જ અલી બીજી વેબ સિરીઝનું કામ શરૂ કરશે. આમાં તેણે કેટરિના કૈફને લીધી છે. અલીના મતે ઓટીટી વાર્તા કહેવાનું વ્યાપક માધ્યમ છે. વેબ તમને નીડર બનાવે છે અને રજૂઆતની તક આપે છે. મારી છેલ્લી ત્રણે ફિલ્મોમાં સલમાન હતો અને તે સુપરહિટ થાય તેનું પ્રેશર હું અનુભવતો હતો. જયારે અત્યારે મને જરાય ડર નથી. મારે તો રાજકારણ પર સિરીઝ બનાવવી છે કેમ કે આ એક જ વિષય એવો છે જેની સમગ્ર દુનિયામાં ચર્ચા થાય છે. આ સિરીઝ મેકબેથ કે ઓથેલો જેવી હશે.
Published on: Thu, 14 Jan 2021
વેબ તમને નીડર બનાવે છે : અલી અબ્બાસ ઝફર
