કંપનીએ ઇક્વિટી શૅર દીઠ રૂ. 1નું ડિવિડન્ડ જાહેર કર્યું
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : બૅંગ્લોરસ્થિત આઇટી ક્ષેત્રની અગ્રણી કંપણી વિપ્રોએ વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે રૂ. 2,968 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે 20.85 ટકા વધુ છે. ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીએ રૂ. 2,455.9 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.
ત્રિમાસિક ધોરણે કંપનીનો ચોખ્ખૌ નફો 20.37 ટકા વધુ થયો છે, પાછલા ગાળામાં કંપનીએ રૂ. 2,465.7 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીએ ઇક્વિટી શૅર દીઠ રૂ. 1નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
કંપનીની આવક પાછલા વર્ષના સમાન ગાળાની તુલનાએ 1.28 ટકા વધીને રૂ. 15,670 કરોડ થઇ છે. જ્યારે ત્રિમાસિક ધોરણે કંપનીની આવકમાં 3.67 ટકાનો વધારો થયો છે.
કંપનીની આઇટી સર્વિસીસની આવક રૂ. 15,333.10 કરોડ થઇ છે, જ્યારે ડૉલર ટર્મમાં કંપનીએ 207.10 કરોડ ડૉલરની આવક કરી છે જે 3.9 ટકાનો વધારો દશાર્વે છે. આગામી ગાળામાં આઇટી સર્વિસીસ દ્વારા થતી આવકમાં 1.5થી 3.5 ટકાનો વધારો થવાની કંપનીને ધારણા છે.
કંપનીની આવકમાં વાર્ષિક ધોરણે 2.2 ટકાનો વધારો થવાની બજારને અપેક્ષા હતી અને તે મુજબ પરિણામો આવ્યા છે. કંપનીના સીઇઓ અને એમડી થૈરી ડેલાપોર્ટેએ પરિણામો વિશે જણાવ્યું કે વિપ્રોએ સતત બીજા ગાળામાં ઓર્ડર બુકિંગ, રેવેન્યુ અને માર્જિન્સમાં સુધારો નોંધાવ્યો છે. અમારા પાંચ સેકટર્સે ત્રિમાસિક ધોરણે ચાર ટકા કરતાં વધુ વૃદ્ધિ દર નોંધાવ્યો છે.
Published on: Thu, 14 Jan 2021
વિપ્રોનો ડિસેમ્બર ત્રિમાસિકમાં નફો 21 ટકા વધ્યો
