ડૉલર-બૉન્ડની તેજી અટકતાં સોનામાં સુસ્તીનો માહોલ

ડૉલર-બૉન્ડની તેજી અટકતાં સોનામાં સુસ્તીનો માહોલ
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 13 : ડોલર અને અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં સામાન્ય ઘટાડો થવાથી સોનાનો ભાવ મક્કમ રહ્યો હતો. ન્યૂયોર્કમાં આ લખાય છે ત્યારે સોનાનો ભાવ 1853 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 25.36 ડોલર પ્રતિ ઔંસ હતી. અમેરિકાનું મસમોટું આર્થિક પેકેજ આવશે તેવી શક્યતા પ્રબળ બની જતા હવે ફુગાવા સામે હેજરુપી ખરીદી વધવાનું ધ્યાન છે. સોનું 1850 નીચે બંધ આવે તો જ 1825 સુધીનો ઘટાડો આવશે. પ્રતિકારક સપાટી 1875 ડોલરની છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રુ.250ના ઘટાડે રુ. 51150 અને મુંબઇમાં રુ. 185 તૂટતા રુ. 49479 હતો. ચાંદી રાજકોટમાં કિલોએ રુ. 100 ઘટતા રુ. 65700 અને મુંબઇમાં રુ. 119 તૂટીને રુ. 65445 રહી હતી. 
આઇજી માર્કેટના વિષ્લેષક કહે છે, સોનાની બજાર માટે 2021 બહુ મજબૂત દેખાય છે. અત્યારે વળતર નકારાત્મક છે. જોકે ડોલર આવનારા દિવસોમાં નબળો પડે તેવી શક્યતા છે એ જોતા સોનું આકર્ષક રોકાણ બની રહેશે. તેમના મતે ટૂંકાગાળામાં સોનાનો ભાવ થોડો ઢીલો પડી શકે છે. લાંબાગાળે ભાવિ સારું છે. 
અમેરિકાએ ટ્રીલીયન મોઢે ડોલર ઠાલવવાની જાહેરાત કરી દીધી છે. હવે કેટલું પેકેજ આવે છે તેની સૌને રાહ છે. વળી, વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસ પછી નવા સ્ટ્રેઇનને કારણે વાતાવરણ ડહોળાયું છે. વેક્સિન હવે દુનિયાભરમાં ફેલાઇ રહી છે પરંતુ હજુ આર્થિક વિકાસમાં વેગ આવવાને સમય લાગે તેમ છે. વેક્સિન આપવાનું શરું થાય એ પછી રિકવરી જોવાશે. જોકે ફુગાવો સોનાને વધવા માટે બળ આપશે એમ જાણકારો કહે છે. 
Published on: Thu, 14 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer