સારા દેખાવના પગલે કંપનીએ રેવન્યુ અને માર્જિન ગાઇડન્સ વધાર્યાં
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : આઇટી ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ફોસીસે વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો રૂ. 5,197 કરોડ નોંધાવ્યો છે જે પાછલા વર્ષના સમાન ગાળાની તુલનાએ 16.60 ટકા વધુ છે. ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીએ રૂ. 4,457 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.
પાછલા ત્રિમાસિક ગાળાની તુલનાએ કંપનીનો નફો 7.3 ટકા વધ્યો છે જે રૂ. 4,845 હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 12.27 ટકા વધી રૂ. 25,927 કરોડ થઇ છે જે ત્રિમાસિક ધોરણે 5.52 ટકાનો વધારો દર્શાવે છે. કંપનીની ડૉલર ટર્મમાં આવક સમીક્ષા હેઠળના ગાળામાં વાર્ષિક ધોરણે 8.4 ટકા વધી છે અને ત્રિમાસિક ધોરણે 6.6 ટકા વધીને 351.6 કરોડ ડૉલર થઇ છે.વાર્ષિક ધોરણે કંપનીની આવક 6.6 ટકા વધી છે જ્યારે ડિજિટલ રેવેન્યુમાં 31.3 ટકાનો વધારો થયો હોવાનું કંપનીએ આજે જાહેર કરેલા પરિણામોમાં જણાવ્યું હતું. કંપનીના પરિણામો મહદ્ અંશે બજારની ધારણા મુજબ આવ્યા છે.
કંપણીના સીઇઓ અને એમડી સલીલ પારેખે પરિણામો જાહેર કર્યા બાદ કહ્યું કે ઇન્ફોસીસે વધુ એક ત્રિમાસિકમાં ઝળહળતી સિદ્ધી હાંસલ કરી નફો વધાર્યો છે. તે માટે કંપનીના તમામ કર્મચારીઓને શ્રેય મળે છે. કંપનીનો સંચાલિત નફો વાર્ષિક ધોરણે 30.1 ટકા વધીને રૂ. 6,589 કરોડ થયો છે અને ત્રિમાસિક ધોરણે 5.8 ટકા વધીને રૂ. 6,228 કરોડ થયો છે. સારા દેખાવના પગલે કંપનીએ રેવેન્યુ અને માર્જિન ગાઇડન્સ વધારીને અનુક્રમે 4.5 અને -5.0 ટકા અને 24 ટકા અને - 24.5 ટકા કર્યું છે.
Published on: Thu, 14 Jan 2021
ઇન્ફોસીસનો ત્રીજા ત્રિમાસિકમાં નફો 17 ટકા વધીને રૂ. 5197 કરોડ
