દેશમાં કોરોનાના નવા કેસ 16,000થી ઓછા પરંતુ નવા સ્ટ્રેનના સંક્રમિતો 100ને પાર

નવી દિલ્હી, તા. 13 : ભારત દેશમાં સારવાર હેઠળ છે, તેવા સક્રિય કેસોનું પ્રમાણ બુધવારે ઘટીને માત્ર 2.04 ટકા રહી ગયું હતું. દેશમાં છેલ્લા 24 કલાકમાં 15,968 નવા કેસ સામે આવતાં કુલ્લ સંક્રમિતોની સંખ્યા 1,0495,147 થઇ ગઇ છે.
દેશના વિવિધ ભાગોમાં આજે વધુ 202 દર્દી કોરોનાનો કોળિયો બની જતાં મરણાંક 1,51,529 થઇ ગયો છે. ઘાતક વાયરસથી મૃત્યુનો દર 1.44 ટકા છે.
છેલ્લા 24 કલાકના ગાળા દરમ્યાન સારી સંખ્યામાં સંક્રમિતો વાયરસમુકત થતાં સાજા થયેલા દર્દી ઓની સંખ્યા વધીને 1,01,29,111 થઇ ગઇ છે. આમ ભારતમાં સાજા દર્દીઓનો દર એટલે કે, રિકવરી રેટ લગાતાર વધતો રહીને બુધવારે 96.51 ટકા પર પહોંચી ગયો હતો.
દેશમાં આજની તારીખે માત્ર 2,14,507 સક્રિયકેસ છે. સવા બેલાખથી ઓછા સક્રિય કેસનું પ્રમાણ માત્ર 2.04 ટકા રહી ગયું છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર) તરફથી મળતા આંકડા અનુસાર અત્યાર સુધીમાં કુલ્લ 18 કરોડ 34 લાખ 89 હજારથી વધુ ટેસ્ટ થઇ ચૂકયા છે.
દરમ્યાન યૂકેથી આવતા કોરોના વાયરસના નવા સ્ટ્રેનના વધુ છ કેસ સામે આવતાં નવા સ્ટ્રેનના દર્દીઓની સંખ્યા 100ને પાર કરી જઇ 102 પર પહોંચી ગઇ છે.
Published on: Thu, 14 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer