મુંબઈ, તા. 13: ઉતારુઓના પ્રવાસ પર નિયંત્રણો હોવા છતાં પશ્ચિમ રેલવેની કોવિડ પૂર્વેના રાજિંદા પ્રવાસીઓની સંખ્યામાં 25 ટકા જ્યારે મધ્ય રેલવેની સંખ્યામાં 18 ટકા વધારો થયો છે.
ગત માર્ચમાં લૉકડાઉન લદાવા પૂર્વે પશ્ચિમ રેલવેના પ્રવાસીઓની સંખ્યા 35 લાખ હતી અને તેની સામે હાલ રાજિંદા પ્રવાસીઓની સંખ્યા લગભગ 8.8 લાખ થઈ છે. મધ્ય રેલવે પર ચારે લાઈનો (મેન, હાર્બર, ટ્રાન્સ હાર્બર અને સીવૂડ્સ-બેલાપુર) પર હાલ પ્રવાસીઓની સંખ્યા આઠ લાખ છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમીત ઠાકુરે જણાવ્યું હતું કે દર સપ્તાહે રાજિંદા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે, જ્યારે મધ્ય રેલવેમાં તેમના સમકક્ષ સી.આર. શિવાજી સુતારે જણાવ્યું હતું કે સીએસએમટી-કર્જત અને સીએસએમટી-કસારા વચ્ચે દોડતી મધ્ય રેલવેની મેન લાઈન પર દરરોજ 5.5 લાખ પ્રવાસીઓ સફર કરે છે.
મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, લગભગ બે લાખ લોકો અનધિકૃત પ્રવાસી છે. અમે દરરોજ આશરે 1500 જેટલા બિનઅધિકૃત પ્રવાસીઓને પકડીએ છીએ. મુખ્યત્વે અૉફિસોમાં કામ કરનારા આ પ્રવાસીઓ માર્ગ પરિવહન મોંઘુ હોવાથી દંડ ચૂકવવા માટે પણ તૈયાર હોય છે.
ઉપનગરની ટ્રેન સેવાઓ મુંબઈગરાની જીવાદોરી છે અને તમામ લોકોને પ્રવાસની છૂટ અપાય એવું તેઓ ઈચ્છી રહ્યા છે.
મનિષ માર્કેટમાં મોબાઈલ રિપેર શોપ ધરાવતા સલીમ ખાને જણાવ્યું હતું કે, હું રબાળેમાં રહુ છું અને દરરોજ દક્ષિણ મુંબઈનો પ્રવાસ કષ્ટદાયી છે. અમુક વખતે હું મારા મિત્રની બાઈક પર બેસીને ઘાટકોપર સુધી જાઉં છું અને પછી મારી દુકાને પહોંચવા બેસ્ટની બસમાં પ્રવાસ ખેડું છું.
Published on: Thu, 14 Jan 2021