31 જાન્યુઆરી પહેલા દેશભરમાં આંગણવાડીઓ શરૂ કરો : સુપ્રીમ કોર્ટ

31 જાન્યુઆરી પહેલા દેશભરમાં આંગણવાડીઓ શરૂ કરો : સુપ્રીમ કોર્ટ
બાળકો, સ્તનપાન કરાવતી માતાઓને ભોજન, સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્યો - કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ
નવી દિલ્હી, તા.13 :  સુપ્રીમ કોર્ટે જાહેરહિતની એક અરજી પર સુનાવણી કરતાં 31 જાન્યુઆરી પહેલા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંગણવાડી ખોલવા આદેશ આપ્યો છે.
કોરોના કાળમાં બંધ આંગણવાડીઓ ફરી ખોલવા મામલે કોર્ટે કહ્યં કે આંગણવાડી વ્યવસ્થા બંધ થયા બાદ બાળકો અને સ્તનપાન કરાવતી માતાઓને ભોજન અને સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર સરકાર નિર્દેશ આપે. સુપ્રીમકોર્ટની બેંચે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને નિર્દેશ આપ્યો કે તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ હજુ આંગણવાડી ખોલી નથી. જે આંગણવાડી કન્ટેઇન્મેન્ટ ઝોનથી બહાર છે તેને 31 જાન્યુઆરી, ર0ર1 પહેલા ખોલવામાં આવે.
કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજયોએ પોતાનાં રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણ સાથે ચર્ચા વિચારણાં કર્યા બાદ આંગણવાડી ખોલવાની વ્યવસ્થા કરવાની રહેશે. કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમની અનુસૂચિ ર હેઠળ આપવામાં આવેલા પોષણ માનકોને બાળકો અને માતાઓને પોષણ સંબંધિત સહાયતા પ્રદાન કરી પૂર્ણ કરવામાં આવે. દેશભરમાં આંગણવાડીઓ ફરી ખોલવા 31 જાન્યુઆરી સુધીમાં નિર્ણય લેવામાં આવે.
સુપ્રીમકોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો કે ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ તથા કુપોષણ પીડિત બાળકોને પોષણયુક્ત આહાર આપવાનો છે. જેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે.
Published on: Thu, 14 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer