આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 13 : નવા કૃષિ કાયદાના મામલે ખેડૂતો સાથેની મડાગાંઠ વચ્ચે વડાપ્રધાને ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો હતો કે, સરકાર ખેડૂતોની હિતેચ્છુ છે અને તેમની સરકાર કેવી રીતે ખેડૂતોને લાભકારક છે તે અંગે મોદીએ કહ્યું કે, તેમની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પાક વીમા યોજના ખેડૂતોને વિવિધ જોખમો સામે રક્ષણ આપે છે.
`પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના'ને પાંચ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, તેમના નમો એપ્લીકેશન દ્વારા લોકો એ માહિતી મેળવે કે `પીએમ ફસલ વીમા યોજના' કેવી રીતે ખેડૂતોને મદદ કરે છે.
મોદીએ કહ્યું કે, કુદરતની અનિયમિતતા સામે સખત મહેનત કરતા ખેડૂતોને રક્ષણ?આપવા માટેની આ મહત્ત્વની પહેલ છે. પીએમ ફસલ વીમા યોજનાએ આજે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હતા. આ યોજનાએ તેનું કવરેજ વધાર્યું છે, જોખમ ઘટાડયું અને કરોડો ખેડૂતોને લાભ કર્યો છે. હું આ યોજનાના તમામ લાભાર્થીઓને અભિનંદન આપું છું.
તેમણે વધુમાં કહ્યું કે, પીએમ ફસલ વીમા યોજના કઇ?રીતે ખેડૂતોને લાભાન્વિત કરે છે, કેવી રીતે દાવા મંજૂર કરવામાં પારદર્શકતા અનુભવવામાં આવે છે એ તમામ પાસાંઓનો જવાબ નમો એપ દ્વારા મળશે.
દરમ્યાન, શાસક ભાજપના હરિયાણાના સાથી દુષ્યંત ચૌટાલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે ખેડૂતોના કૃષિ કાયદા વિરોધી આંદોલન વચ્ચે મળ્યા હતા. શુક્રવારે સરકારના પ્રતિનિધિઓની ખેડૂતો સાથે વાતચીત પહેલાંની આ વાતચીત મહત્ત્વ ધરાવે છે.
જો કે, એવું મનાય છે કે, શુક્રવારની બેઠકમાં સરકાર ખેડૂતોને એમએસપી મામલે સુદ્રઢ ખાતરી આપે, કારણ કે ચૌટાલાએ અગાઉ ખેડૂત કટોકટી નહીં ઉકેલાય તો હરિયાણા સરકાર છોડવાની ચીમકી આપી હતી.
Published on: Thu, 14 Jan 2021
પાક વીમા યોજના કરોડો ખેડૂતો માટે લાભદાયી : મોદી
