સંગીત રિયાલિટી શોનો બદલાવ લઈને નવો ટીવી શો `ઈન્ડિયા પ્રો મ્યુઝિક લીગ' આવશે. રમત જગતની જેમ આ શોમાં અલગ અલગ સંગીત લીગ જોવા મળશે. આમાં છ ટીમ ભારતના જુદા જુદા હિસ્સાને રજૂ કરશે. મુંબઈ વૉરિયર્સ, દિલ્હી ધુરંધર્સ, યુપી દબંગ્સ, પંજાબ લાયન્સ, બેંગાલ ટાઈગર્સ અને ગુજરાત રોકર્સ ટીમને બૉલીવૂડના અગ્રણી અને સ્પોર્ટ્સ સેલિબ્રિટી ટેકો આપશે. આમાં ટોચના પ્લેબેક ગાયકો ટીમના કેપ્ટનો હશે આમાં મિકા સિંહ, કૈલાસ ખેર, સાજિદ ખાન, શાન, અંકિત તિવારી, જાવેદ અલી, અસીસ કૌર, ભૂમિ ત્રિવેદી, આકૃતિ કક્કડ, પાયલ દવે, શિલ્પા રાવ અને નેહા ભસીનનો સમાવેશ થાય છે.
ઈન્ડિયા પ્રો મ્યુઝિક લીગનું એક ગીત તાજેતરમાં રજૂ કરવામાં આવ્યું છે. આ ગીતના સંગીતકાર સાજિદ-વાજિદ છે. આ ગીતની ધૂન વાજિદના અવસાન અગાઉ આ જોડીએ રજૂ કરી હતી. સાજિદે કહ્યું હતું કે, ઈન્ડિયા પ્રો મ્યુઝિક લીગ વાજિદનું સપનું હતું. તે આ વિશે ઉત્સાહથી વાત કરતો હતો. તેણે આના પર કામ શરૂ કરી દીધું હતું અને તેની વિદાય બાદ મેં આ કામ પૂરું કર્યું છે. વાસ્તવમાં તો તેના લીધે જ હું બોર્ડ પર આવ્યો હતો. હૉસ્પિટલમાં તે કહેતો કે હું સાજો થઈને આ શૉ સાથે જોડાઈશ. ત્યાં સુધી તું આ કામ કરતો રહેજે.
Published on: Tue, 26 Jan 2021
ઈન્ડિયા પ્રો મ્યુઝિક લીગ વાજિદનું સપનું છે : સાજિદ ખાન
