અખંડ ભારતમાં મહિલાઓનાં જીવન પર પ્રકાશ પાડતી સિરિયલ કયોં ઉત્થે દિલ છોડ આયેં સોની એન્ટરટેન્મેન્ટ પર શરૂ થઈ છે. આમાં ત્રણ યુવતીઓની કથા છે જે સપના, આશા, આકાંક્ષા અને પ્રેમની અનુભૂતિ કરવા તત્પર હોય છે. પરંતુ દેશના ભાગલા પડતા સૌનું નસીબ કઈ રીતે બદલાય છે તે સુંદર રીતે ફિલ્માવવામાં આવ્યું છે. દર સોમથી શુક્ર રાતના નવ વાગ્યે પ્રસારિત થતી આ સિરિયલનું મુખ્ય પાસું સંગીત છે અને તેના સંગીતકાર ઉત્તમ સિંહ છે.
કયોં ઉત્થે દિલ છોડ આયેંમાં અમ્રિત સાહની, વશ્મા અને રાધાની કથા છે. આ ત્રણે ભૂમિકા અનુક્રમે ગ્રેસી બિપીન ગોસ્વામી, આંચલ અને પ્રણાલી ભજવે છે. 17 વર્ષની અમ્રિત રંજનના નામે પ્રેમકથા લખે છે અને તેની કથા પ્રકાશિત કરતાં અખબારના સંપાદક અને કાર્ટૂનિસ્ટ રણધીરને પ્રેમ કરે છે. વશ્મા અમ્રિતની બેસ્ટ ફ્રેન્ડ અને રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારની શિક્ષિત દીકરી છે. તે અમ્રિતના પિતરાઈ અને બાળપણના મિત્ર ઉદયને પ્રેમ કરે છે. જો કે, ભારત-પાકના ભાગલા પડશે ત્યારે તેમનું પ્રેમબંધન કયો વળાંક લેશે તે કોઈને ખબર હોતી નથી. જ્યારે રાધા અશિક્ષિત પ્રવાસી કલાકાર છે જે ગરીબીથી છુટકારો મેળવવા વીસ વર્ષ મોટા અમ્રિતના કાકા સાથે લગ્ન કરે છે. નવું ભારત રાધાના જીવનને કઈ રીતે બદલશે તે જોવું રહ્યું.
શોને સિનેમેટિક સ્પર્શ આપવા માટે અખંડ અને સ્વતંત્ર ભારતના ઈતિહાસનો બારીકાઈથી અભ્યાસ કર્યો છે. આમાં ઝેન ખાન, શગુન પાંડે, કનિકા મહેશ્વરી, અવતાર ગિલ, ગીતા ત્યાગી,વૈષ્ણવી અને નસીરુદ્દીન પણ મહત્ત્વની ભૂમિકામાં છે.
Published on: Tue, 26 Jan 2021
કયોં ઉત્થે દિલ છોડ આયે માં દેશના વિભાજન પૂર્વેની સામાજિક ગાથા
