ચેન્નઇ ટેસ્ટ પૂર્વે ઈંગ્લૅન્ડની ટીમને ફક્ત ત્રણ દિવસ જ પ્રેક્ટિસની તક મળશે

ચેન્નઇ ટેસ્ટ પૂર્વે ઈંગ્લૅન્ડની ટીમને ફક્ત ત્રણ દિવસ જ પ્રેક્ટિસની તક મળશે
બુધવારે પહોંચ્યા બાદ છ દિવસ ક્વૉરેન્ટાઇન રહેશે આ દરમિયાન ત્રણ કોવિડ ટેસ્ટ : સ્ટોક્સ, આર્ચર અને બર્ન્સ ભારત પહોંચ્યા
લંડન, તા.25 : ઇંગ્લેન્ડની ટીમે શ્રીલંકાનો પ્રવાસ સમાપ્ત કર્યાં બાદ ભારત પહોંચવા પર 6 દિવસ સુધી ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. આ કારણે ઇંગ્લેન્ડની ટીમને પ ફેબ્રુઆરીથી શરૂ થતાં પ્રથમ ટેસ્ટ અગાઉ અભ્યાસ માટે ફકત ત્રણ દિવસનો જ સમય મળશે. ધ ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર ઇંગ્લેન્ડની ટીમ જો રૂટના સુકાનીપદ હેઠળ બુધવારે ચેન્નાઇ પહોંચશે. જયાં ચાર મેચની શ્રેણીના પહેલા બે મેચ રમાશે.
ચેન્નાઇ પહોંચ્યા બાદ પ્રવાસી ટીમ માટે 6 દિવસનો કવોરન્ટાઇન પીરિયડ ફરજિયાત છે. શ્રીલંકા પ્રવાસમાં સામેલ નહીં ઇંગ્લેન્ડના ત્રણ ખેલાડી બેન સ્ટોકસ, જોફ્રા આર્ચર અને રોરી બર્ન્સ રવિવારે રાત્રે જ ભારત પહોંચી ગયા છે. તેમને હોટલમાં કવોરન્ટાઇન રહ્યા બાદ અભ્યાસ માટે પાંચ દિવસનો સમય મળશે. ઇંગ્લેન્ડના તમામ ખેલાડીઓના 6 દિવસમાં ત્રણ વખત કોવિડ-19 ટેસ્ટ થશે.
ઇંગ્લેન્ડના ખેલાડીઓને શ્રીલંકા પહોંચવા ફકત 48 કલાકમાં અભ્યાસની અનુમતિ મળી ગઇ હતી. ઇંગ્લેન્ડનો એકમાત્ર ખેલાડી મોઇન અલી આગમન વખતે કોવિડ પોઝિટિવ મળી આવ્યો હતો. હવે કોરોના મહામારી વચ્ચે ભારતમાં પહેલીવાર ઇન્ટરનેશનલ સિરીઝનું આયોજન થયું છે. આ પહેલા બીસીસીઆઇએ આઇપીએલનું આયોજન યુએઇમાં કર્યું હતું. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીના અંતિમ બે ટેસ્ટ અમદાવાદમાં રમાશે. 
બાયો બબલમાં રમાનાર આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દ્રષ્ટિકોણથી ઘણી મહત્ત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયા સામેની ઐતિહાસિક જીત બાદ ટીમ ઇન્ડિયા પોઇન્ટ ટેબલ પર ટોચ પર અને હાલ ઇંગ્લેન્ડની ટીમ ન્યુઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા પછી ચોથા નંબર પર છે.
Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer