શાર્દુલ સાથે મળીને ચોક્કસ રણનીતિ બનાવી, આથી સફળતા મળી : સિરાઝ

શાર્દુલ સાથે મળીને ચોક્કસ રણનીતિ બનાવી, આથી સફળતા મળી : સિરાઝ
નવી દિલ્હી, તા.25: બ્રિસબેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બોલિંગ આક્રમણમાં મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, નાથન લિયોન અને કેમરન ગ્રીન સામેલ હતા. જેમાં ગ્રીન તેનો ચોથો ટેસ્ટ રમી રહ્યો હતો. આ ચારેયના કુલ ટેસ્ટનો અનુભવ 2પ4 મેચનો હતો. આ સામે ભારતના મોહમ્મદ સિરાઝ, નવદિપ સૈની, શાર્દુલ ઠાકુર, ટી. નટરાજન અને વોશિંગ્ટન સુંદરનો કુલ અનુભવ ફક્ત 9 ટેસ્ટ મેચનો હતો. ભારતના બોલિંગ આક્રમણનો અનુભવ ભલે ઓછો હતો પણ મનોબળ મજબૂત હતું. આ ઉપરાંત આ માટે ખાસ રણનીતિ પણ બનાવી રાખી હતી.
જે વિશે મોહમ્મદ સિરાઝે જણાવ્યું કે અમે બન્ને છેડેથી દબાણ બનાવી રાખવાનું નકકી કર્યું હતું. શાર્દુલ અને મેં સાથે બેસીને યોજના બનાવી હતી કે અમે તેમનાં પર દબાણ કેવી રીતે બનાવશું. ચોક્કસ અમે પણ દબાણમાં હતા, કારણ કે ટીમના અનુભવી બોલરો ઇજાનો ભોગ બની ચૂક્યા હતા. આમ છતાં અમે રણનીતિ પર ટકી રહ્યા અને સપોર્ટ સ્ટાફનો અમને ભરપૂર સહયોગ મળ્યો. જેથી આ સફળતા સંભવ બની. 
અમને ખબર હતી કે દબાણ બનાવી રાખશું તો કાંગારુ બેટધરો ભૂલ કરશે. થયું પણ તેવું. ઓસ્ટ્રેલિયાની વિકેટો સમયાંતરે પડતી રહી. અમે વધુ રન ન આપવાનું પણ નકકી કર્યું હતું. જેનો શ્રેય હું સૈનીને આપીશ. ઇજાગ્રસ્ત હોવા છતાં તે ફિલ્ડમાં આવ્યો, તે બહાદૂર છે. તેની હાજરીથી અમારો જુસ્સો વધ્યો. તેમ અંતમાં સિરાઝે આજે એક મુલાકાતમાં જણાવ્યું હતું.
Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer