કાપડની નિકાસમાં ભારતનો હિસ્સો દ્વિઅંકી કરવો જરૂરી : વેન્કૈયા નાયડુ

નવી દિલ્હી, તા. 25 :  વૈશ્વિક કાપડ બજારમાં ભારતનો હિસ્સો જે 5થી 6 ટકાનો છે તે વિકાસદર બમણા આંકડાનો કરવા ભારતીય એપરલ ઉદ્યોગે પ્રયત્ન કરવા જોઈએ, એમ એપરલ એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ (એઈપીસી)ના વર્ચ્યુઅલ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરતાં ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુએ જણાવ્યું હતું. ભારત કોટન, જ્યુટ, સિલ્ક અને એમએમએફ યાર્નનો અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર દેશ છે પણ બંગ્લાદેશ અને ચીન જોડેની સરખામણીએ કરીએ તો કાપડ અને એપરલ્સમાં ભારત સ્પર્ધાત્મક સ્થિતિમાં નથી.
આ દેશો ભારતીય યાર્નના સૌથી મોટા ઘરાકો છે. તેઓ તેમાં વેલ્યુએડીશન કરે છે. ત્યારબાદ તેઓ કાપડ અને એપરલ ભારત કરતાં નીચા ભાવે વેચે છે. આનું કારણ ભારતનું વિવિંગ ક્ષેત્ર વિકેન્દ્રીત અને વેરવિખેર છે તે છે. આપણને વધુ તીરુપુરની જરૂરત છે.
નાયડુએ જણાવ્યું હતું કે કાચી સામગ્રી અને માનવબળમાં ભારત મજબૂત દાવેદાર હોવા છતાંય વૈશ્વિક કાપડ નિકાસમાં પાછળ છે. આનું કારણ એ છે કે ભારતીય ફર્મોની સરેરાશ સાઇઝ નાની છે અને આઉટડેટેડ ટેક્નૉલૉજીનો વપરાશ છે. હવે ભારતીય સાહસિકોએ તેમના મેન્યુફેકચરિંગ પોર્ટફોલિયોનું વૈવિધ્યકરણ કરવું જોઈએ અને બદલાતી વૈશ્વિક માગને અનુરૂપ ઉત્પાદન કરવું જોઈએ. એપરલ ઉત્પાદકોએ વેલ્યુએડીશન કરવા ઉપરાંત બ્રાન્ડ બિલ્ડિંગ પર ધ્યાન વધારવું જોઈએ.
એઈપીસીએ તૈયાર કરેલા વર્ચ્યુઅલ એક્ઝિબિશન પ્લેટફોર્મ પર વર્ષ ભર ભારતીય તૈયાર વત્રોનું પ્રદર્શન થઈ શકશે અને બીટુબી મિટિંગો પણ કરી શકાશે. કોરોનાના કારણે પર્યટન અંકુશો હોવાથી આ પ્લેટફોર્મ વધુ ઉપયોગી બની રહેશે.
કેન્દ્રીય ટેક્સ્ટાઇલ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે કોરોનાના બે મહિનામાં જ ભારતે પીપીઈ અને એ-95 માસ્ક ઉદ્યોગમાં 1 અબજ ડૉલરનું કદ હાંસલ કરી વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. એઈપીસી ચૅરમૅન મે. શક્તિવેલએ જણાવ્યું હતું કે ભારતે હવે યુએસ, ઇયુ, યુકે, કેનેડા, અૉસ્ટ્રેલિયા જોડે મુક્ત વેપાર કરાર કરવા જોઈએ અને સર્વાંગી આર્થિક ભાગીદારીના કરાર કરવા જોઈએ. જો આમ થાય તો 3 વર્ષમાં ભારતીય એપરલ નિકાસ બમણી થઈ શકવાની શક્યતા છે.
Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer