ફેડની બેઠક પૂર્વે અથડાતાં સોના-ચાંદી

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 25 : બુલિયન બજારમાં વૈશ્વિક સ્તરે ભાવ સાંકડી રેન્જમાં અથડાઇ ગયા છે. ચાલુ સપ્તાહમાં ફેડરલ રિઝર્વની બેઠક છે. એમાં વ્યાજદર અને નાણાનીતિ અંગેની જાહેરાત થવાની છે. બીજી તરફ અમેરિકાના જંગી આર્થિક પેકેજ અંગે ઇંતેજારી છે એટલે સોનામાં વધઘટ સંકડાઇ ગઇ છે. ન્યૂયોર્કમાં આ લખાય છે ત્યારે 1862 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ સોનું રનીંગ હતુ.  
પાછલા સપ્તાહના અંતે ફરીથી વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસનો કેર વધ્યો હોવાના સમાચાર આવ્યા હતા. યુકેએ ફરીથી કેટલાક પ્રતિબંધો લાદ્યા છે. નોન યુકે સિટીઝનને પ્રવેશવાની મનાઇ ફરમાવવામાં આવી છે. ખાસ કરીને બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકાથી આવતા લોકોને યુકેમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. અમેરિકાએ પણ આવું જ પગલું લીધું છે. જોકે ત્યાં યુકેનો પણ આ યાદીમાં ઉમેરો કરવામાં આવ્યો છે. ફાઇઝરની કોરોના રસીનો જથ્થો ઓછો પડતા નવો સપ્લાય ન આવે ત્યાં સુધી રાહ જોવાનો વખત આવ્યો છે. એ કારણે તત્કાળ સંક્રમણ અટકે તેમ નથી. 
વિષ્લેષકો કહે છે, ડોલરમાં અત્યાર સુધી સલામત રોકાણની માગ સારી હતી પણ હવે ધીરે ધીરે ડોલરની તેજી ઓસરી રહી છે એ કારણે સોનાના ભાવ સુધરતા જાય છે. સોનાને 1900 ડોલરનું મથાળું વટાવવામાં ડોલર મદદ કરી શકે તેમ છે. ડોલર નબળો રહે તો થોડાં દિવસોમાં સોનું ફરી આ સ્તર ઉપર હશે. જાન્યુઆરીમાં ડોલરની તેજીએ સોનાને રોકી રાખ્યું છે. જોકે ઉદ્દીપક પેકેજ જાહેર થાય અને ફુગાવો વધતો દેખાય એટલે સોનું તેજીની રફતાર પકડે તેમ છે. ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવા કોઇ ચિહનો નથી એટલે ફેડની ચાલુ સપ્તાહની બેઠકમાં એ દિશામાં કોઇ નિર્ણય આવવાનો નથી એ નક્કી માનવામાં આવે છે. 
દરમિયાન રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ. 70ના સુધારા સાથે રુ. 51070 અને મુંબઇમાં રુ. 473 વધીને રુ. 49416 હતો. ચાંદી ન્યૂયોર્કમાં 25.59 ડોલર હતી. સ્થાનિક બજારમાં એક કિલોએ રુ. 550 ઉંચકાઇ જતા રુ. 66850 અને મુંબઇમાં રુ. 911 વધીને રુ. 66703 હતી. 
Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer