અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : વૈશ્વિક રૂ ઉત્પાદનમાં 130/135 લાખ હેક્ટર્સના વાવેતર વિસ્તાર સાથે ભારતનો 30 ટકા જેટલો સિંહફાળો હોવા છતાં ઉત્પાદકતાની દૃષ્ટિએ ભારતની હેક્ટરદીઠ ઉત્પાદકતા 450 કિલોએ સ્થિર થઈ ગઈ હોવાથી ભારતીય ખેડૂત સંગઠનોએ બ્રાઝિલીયન ખેડૂત સંગઠનો સાથે મળીને ઉત્પાદતા વધારવા-સુધારવાના પ્રયાસો કરવા જોઈએ. બ્રાઝિલના ખેડૂતો હેક્ટરદીઠ 1200 કિલોના ઊપજ મેળવી રહ્યા છે. જો આપણે ઊપજમાં 20થી 30 ટકાનો સુધારો પણ મેળવી શકીએ તો 450થી 500 લાખ ગાંસડીનું ઉત્પાદન હાંસલ કરી શકશું એવો વિશ્વાસ કોટન ઍસો. અૉફ ઇન્ડિયા (સીએઆઈ)ના પ્રમુખ અતુલ ગણાત્રાએ કોટન બ્રાઝિલ આઉટલુક અને કોન્ફેડરેશન અૉફ ઇન્ડિયન ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રી (સીમ) દ્વારા રૂ અંગેના વેબિનારમાં જણાવ્યું હતું.
2001 પછી દેશમાં બીટી કોટનનું આગમન થયા બાદ છેલ્લા બે-ત્રણ દાયકામાં ભારતીય કૉટન-ટેક્સ્ટાઈલ ક્ષેત્રનું સ્વરૂપ જ સમુળગું બદલાઈ ગયું છે. 1947માં માત્ર 46 લાખ હેક્ટર્સમાં રૂનો પાક લેવાતો હતો તે અત્યારે વધીને 135 લાખ હેક્ટર્સે જઈ પહોંચ્યો છે. રૂનું ઉત્પાદન પણ 90 લાખ ગાંસડીથી વધીને 360 લાખ ગાંસડી કે તેથી વધુ પહોંચી ચૂક્યું છે. કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારવા લઘુત્તમ ટેકાના ભાવમાં ઉત્તરોત્તર વધારો કરી રહી છે એ જોતાં આગામી વર્ષમાં 5થી 7 ટકા વાવેતર વધવાની સંભાવના રાખી શકાય, એમ ગણાત્રાએ ઉમેર્યું હતું.
2019-2020 સિઝન વર્ષમાં માર્ચ 20 પછીના વિશ્વવ્યાપી લૉકડાઉનને કારણે ઠપ્પ થયેલા કામકાજની ભારે અસર કૉટન ટેક્સ્ટાઈલ ક્ષેત્રે પણ જોવા મળી હતી. માગ ઘટી જતાં દેશમાં રૂની માગ 20 ટકા ઘટીને 250 લાખ ગાંસડીએ સિમિત થઈ ગઈ હતી. છતે માલે ભારત માંડ 50 લાખ ગાંસડી રૂ નિકાસ કરી શક્યું હતું. મંદીને કારણે ભાવ પણ ઘટી જતાં કોટન કૉર્પોરેશન અૉફ ઇન્ડિયા (સીસીઆઈ) એ 115 લાખ ગાંસડી રૂ ખરીદી કરવાની ફરજ પડી હતી.
પરિણામે 2020-2021નો પ્રારંભ 125 લાખ ગાંસડી રૂના ઉઘડતા સ્ટૉક સાથે થયો હતો. જૂન-20 પછીની અનલોકની પ્રક્રિયામાં ધીમે ધીમે કરીને હવે ટેક્સ્ટાઈલ ઉદ્યોગ પૂર્ણ ક્ષમતાએ ધમધમતો થયો હોવાથી આ વર્ષે રૂની સ્થાનિક માગ વધીને પુન: લૉકડાઉન પૂર્વેની સપાટીએ 330 લાખ ગાંસડીએ રહેવાની આશા છે.
ગણાત્રાએ કહ્યું હતું કે, રૂ-ટેક્સ્ટાઈલ્સ ક્ષેત્રની માગ વધતા બજાર અત્યારે વધીને 80થી 84 સેન્ટની સપાટીએ બોલાઈ રહી છે પણ સ્થાનિક બજારમાં માલ બોજાનું પ્રેસર સ્થાનિક સુધારાને અવરોધે છે. સીસીઆઈએ 20 જાન્યુઆરી સુધીમાં 87 લાખ ગાંસડી કપાસની ખરીદી કરી હતી, જેની કિંમત 25000 કરોડ રૂપિયાથી વધુ થાય છે. આ વર્ષે ભારત 55થી 60 લાખ ગાંસડી રૂની નિકાસ માટે આશાવાદી છે.
Published on: Tue, 26 Jan 2021
આ વર્ષે 60 લાખ ગાંસડી રૂની નિકાસ થવાનો સીએઆઈનો અંદાજ
