કોટક બૅન્કનો નફો 11 ટકા વધી રૂા. 2602 કરોડ થયો

કોટક બૅન્કનો નફો 11 ટકા વધી રૂા. 2602 કરોડ થયો
વ્યાજની ચોખ્ખી આવક 17 ટકા વધીને રૂા. 4007 કરોડ થઇ 
મુંબઈ, તા. 25 : ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બૅન્કનો ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો 11 ટકા ઊછળી રૂા. 2,602 કરોડ થયો છે. પાછલા વર્ષના સમાન ગાળામાં બૅન્કનો ચોખ્ખો નફો રૂા. 2,349 કરોડ થયો હતો. માત્ર ચોખ્ખા નફાની બાબતે બૅન્કે આ ગાળામાં રૂા. 1,854 કરોડનો નેટ પ્રોફિટ કર્યો હતો, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂા. 1,596 કરોડ હતો. વ્યાજની ચોખ્ખી આવક અને જોખમ સામે ઓછી રકમની જોગવાઇના કારણે બૅન્કનો નફો વધ્યો છે. 
પાછલા વર્ષના સમાન ગાળાની તુલનાએ બૅન્કની વ્યાજની ચોખ્ખી આવક 17 ટકા વધીને રૂા. 4,007 કરોડ થઇ હતી, જે નાણાં વર્ષ 2020ના સમાનગાળામાં રૂા. 3,430 કરોડ થઇ હતી. એક વર્ષ પહેલા બૅન્કનું નેટ માર્જિન 4.69 ટકા હતું, તે આ વર્ષે સમાનગાળામાં 4.51 ટકા રહ્યું હોવાનું બૅન્કે જણાવ્યું હતું. 
આકસ્મિક ખર્ચ અને ડુબવા પાત્ર લૉન સામેની જોગવાઇ રૂા. 599 કરોડ હતી, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂા. 444 કરોડ હતી. ત્રીજા ત્રિમાસિકના અંતે બૅન્કની કોવિડ સામેની જોગવાઇ રૂા. 368 કરોડ હતી. બૅન્કની એસેટ ક્વોલિટી પણ વાર્ષિક અને ત્રિમાસિક ધોરણે બહેતર થઇ હોવાનું બૅન્ક સૂત્રોએ જણાવ્યું હતું. 
આ ગાળામાં બૅન્કની ગ્રોસ એનપીએ પાછલા ગાળાના 2.55 ટકાની તુલનાએ ઘટીને 2.26 ટકા થઇ હતી. જ્યારે નેટ એનપીએ ડિસેમ્બર ગાળામાં 0.5 ટકા રહી હતી.
 આ સાથે બૅન્કમાં બચત થાપણ 29 ટકા વધી રૂા. 1.07 લાખ કરોડ થઇ હતી જ્યારે કરન્ટ એકાઉન્ટની ડિપોઝિટ 13 ટકા વધી રૂા. 37,533 કરોડ થઇ હતી.
આજે બૅન્કનો શૅર બીએસઇમાં 1.49 ટકા ઘટી રૂા. 1,804 બંધ આવ્યો હતો.
Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer