આજે પ્રજાસત્તાક દિને ષણ્મુખાનંદ સભાગૃહમાં સૈનિકોનું રોકડ પુરસ્કાર સાથે સન્માન

મુંબઈ, તા. 25: પ્રજાસત્તાક દિનની મંગળવારે ઉજવણીઓ કોવિડ-19ના નિયંત્રણોને કારણે અનેક રીતે બદલાયેલા વિશ્વને રજૂ કરશે. પ્રોટોકોલનું પાલન કરીને કિંગ્સ સર્કલ સ્થિત ષણ્મુખાનંદ સભા, વિવિધ કામગીરીઓમાં ઘવાયેલા અથવા વિકલાંગ બનેલા સૈન્યના 15 જવાનોનું તેમ જ 2019-20 દરમિયાન શહીદ થયેલા સૈનિકોની વિધવાઓનું સન્માન કરશે. 
જનરલ અૉફિસર ઈનકમાન્ડ-જીઓસી (મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા), લે. જે. એલ. કે. પ્રશાંત ષણ્મુખાનંદ શૌર્ય એવૉર્ડ તથા એક લાખ રૂપિયાનું રોકડ ઈનામ, શકિલા શૌકત અલીને એનાયત કરશે જેમના પતિ નાઈક શૌકત અલી, પુત્રો મેજર જાવેદખાન અને લેફટનન્ટ જાફરખાન સૈન્યમાં સેવા બજાવે છે. 
સભાના પ્રમુખ વી. શંકરે કહ્યું હતું કે ઘવાયેલ પ્રત્યેક સૈનિકોને એક લાખ રૂપિયાની થેલી તથા સ્મૃતિચિહ્નો તથા શહીદોના પ્રત્યેક પરિવારોને બે લાખ રૂપિયાની થેલી તથા સ્મૃતિચિહ્નો એનાયત કરાશે. ખેડૂતોનું હાલ ચાલી રહેલું રાષ્ટ્રવ્યાપી આંદોલન તથા અન્ય સામાજિક અન્યાયોનો આ પ્રસંગે વિભિન્ન જૂથો પડઘો પાડશે. બૉમ્બે કથેલિક સભાનુ વિક્રોલી યુનિટ ફાધર સ્ટેન સ્વામી સહિત, પ્રજાસત્તાક દિને ખેડૂતો અને જેલમાં ગોંધાયેલા એક્ટિવિસ્ટોની સાથે એકતા દર્શાવશે. સભાના વિક્રોલી યુનિટના ચેરમેન મારિયો રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે, તેઓ વિક્રોલીમા ઈસ્ટર્ન એક્પ્રેસ હાઈવે (ઈઈએચ) ખાતે સવારે નવથી 11 વાગ્યા સુધી પ્લેકાર્ડસ એર બેનરો પ્રદર્શિત કરશે. 
બાંદ્રા સ્થિત સેન્ટ પીટર્સ ચર્ચ પણ બહુધર્મી પ્રાર્થનાઓ યોજશે. ધ્વજ બનાવનારાઓ જણાવે છે કે, કોવિડ-19ને કારણે સંસ્થાઓ અને સોસાયટીઓએ ઉજવણીઓ પર કાપ મૂક્યો હોવાથી ધ્વજોનું વેચાણ અડધા જેટલું ઘટી ગયું છે. ધ ફ્લેગકોરના જ્ઞાન શાહે જણાવ્યું હતું કે, મુંબઈમાં આ વર્ષે અમારા નવા કોઈ ઈન્સ્ટોલેશન્સ નથી. ધંધો, માગ ખૂબ જ ઓછા છે. હા, નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા થોડીક સોસાયટીઓએ  એક નવો ધ્વજ લીધો છે, પરંતુ ધ્વજ ફરકાવવા માટે સામાન્યપણે જાહેર કાર્યક્રમો યોજતી કલબો, પાર્કો, શાળાઓ અને કૉલેજો આ વખતે ધ્વજ નહી ફરકાવે. 
Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer