હવે પાલિકા અને બેસ્ટ વચ્ચે કિઓસ્કના મુદ્દે વિવાદ

મુંબઈ, તા. 25: રસ્તા પરના લાઇટના થાંભલા પર કિઓસ્ક દ્વારા કરવામાં આવતી જાહેરખબર મુદ્દે મહાપાલિકા અને બેસ્ટ પ્રશાસન વચ્ચે વિવાદ શરૂ થયો છે. એક કેસમાં કોર્ટે આપેલા આદેશને આધાર બનાવી પાલિકાએ કિઓસ્ક પરની જાહેરાતને પરવાનગી આપવાનું નકાર્યું હતું. તો બેસ્ટ પ્રશાસને, કિઓસ્કને નહીં પણ હૉર્ડિંગ્ઝ અંગે ચુકાદો આપ્યો આપ્યો હોવાનું પાલિકાને જણાવવા છતાં કેસનો નીવેડો આવ્યો નથી. વિવાદને કારણે બેસ્ટને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. 
રસ્તા પરના વીજળીના થાંભલાઓ પર ત્રણ વરસ માટે જાહેરાત કરવા માટે પૃથ્વી અસોસિયેટ્સનું ટેન્ડર માર્ચ મહિનામાં મંજૂર થયું હતું. જાહેરાતને પગલે બેસ્ટ પ્રશાસનને 24 કરોડ રૂપિયાની આવક થવાની હતી. ટેન્ડરની શરત મુજબ સંબંધિત કંનીએ પાલિકાના લાઇસંસ વિભાગ પાસેથી પરવાનગી લેવાની સાથે ટ્રાફિક પોલીસ પાસે એનઓસી લેવી ફરજિયાત કરવામાં આવ્યું છે. પાલિકાના જોઇન્ટ કમિશનર આનંદ વાગરાળકરે કોર્ટના આદેશનો ઉલ્લેખ કરી સાર્વજનિક સ્થળે સુરક્ષાનો પ્રશ્ન ઉપસ્થિત કરી લાઇસંસ આપવાનું નકાર્યું હતું.
2014માં એક બાળકનું થાંભલાને અડવાથી લાગેલા વીજળીના આંચકાને કારણે મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ કોર્ટે આપેલા આદેશના પગલે સાર્વજનિક સ્થળે જાહેરાત અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ નિયમોમાં કિયોસ્ક બેસતા ન હોવાથી લાઇસંસ આપી શકાય નહીં એમ પાલિકા પ્રશાસને બેસ્ટને જણાવ્યું હતું. આને પગલે બેસ્ટના જનરલ મેનેજરે હાઇ કોર્ટે 2017માં હૉર્ડિંગના નિયમોમાં નિયમાવલી હોવી જોઇએ એવો આદેશ આપ્યો હતો. 
Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer