છેલ્લાં છ વર્ષમાં કેવળ વીસ આદિવાસી વિદ્યાર્થીને ફોરેન સ્કોલરશિપનો લાભ

જાગૃતિના અભાવે સરકારની સ્કીમ નિષ્ફળ
મુંબઈ, તા. 25 : વર્ષ 2005માં સ્કીમ શરૂ થયા બાદથી ફોરેન સ્કોલરશિપ્સ માટે દર વર્ષે 10 આદિવાસી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી છે. છેલ્લાં છ વર્ષમાં 60ને બદલે આવા માત્ર 20 વિદ્યાર્થી સ્કોલરશિપ મેળવી શક્યા છે. 
આદિવાસી સમુદાયના સભ્યો જણાવે છે કે, વંચિત વિદ્યાર્થીઓને સ્કીમથી વાકેફ કરવા માટે સરકાર તેમના સુધી પહોંચતી નથી. નાગપુરસ્થિત સામાજિક કાર્યકર્તા અને ઓર્ગેનાઈઝેશન અૉફ ટ્રાઈબલ્સના પ્રમુખ રાજેન્દ્ર મારસકોલ્હેએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અનેક સ્કીમોનો અમલ કરાતો હોવા છતા, આ સ્કીમો જેમના માટે શરૂ કરાઈ છે તેઓ આ સ્કિમોના લાભ નથી મેળવતા. આદિવાસીઓ તેમના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે બહારના દેશોમાં મોકલવાનું વિચારી પણ નથી શકતા, કારણ કે તેમાં મસમોટો ખર્ચ સમાયેલો છે. 
મેડિસિન, એમબીએ, સાયન્સ, એગ્રિકલ્ચર, એન્જિનિયારિંગ, આર્કિટેક્ચર અને બીટેક જેવા કોર્સો માટે આ વાર્ષિક સ્કીમ છે. ચુનંદા વિદ્યાર્થીઓ ટયુશન ફીસ, પરીક્ષા ફીસ અને આવાસ તથા ભોજન માટે ભથ્થું મેળવે છે. જોકે, વિદેશ પ્રવાસ, વિઝા, ફીસ, સ્થાનિક પ્રવાસ ખર્ચ અને સ્ટેશનરી માટેના ખર્ચા તેમણે ઊઠાવવા પડે છે. 
જાગરૂકતાના અભાવ તરફ અંગુલિનિર્દેશ કરતા, પ્રભુ રાજગડકરે જણાવ્યું હતું કે, સંબંધિત વિભાગના અધિકારીઓને પણ લાભાર્થીઓને માર્ગદર્શન અને ટેકો પૂરો પાડવા માટે તાલીમ નથી અપાઈ. સ્કીમને હેન્ડલ કરનારા અધિકારીઓને ભંડોળ છૂટું કરવાની અને અન્ય તકનિકી બાબતોની પ્રક્રિયાની જાણ નહીં હોવાથી લાભાર્થીઓને સહન કરવું પડે છે. એવા કિસ્સા નોંધાયા છે, જેમાં સરકાર દ્વારા જે યુનિવર્સિટીને ફીસ ચૂકવાઈ હતી એ યુનિવર્સિટીએ રકમ પાછી મોકલાવવી પડી હતી, કારણ કે વિદ્યાર્થીનું નામ યાદીમાં ગુમ હતું. રાજગડકરની પુત્રી નિયતિ મેલ્બોર્ન (અૉસ્ટ્રેલિયા)માં આર્કિટેક્ચરના પોસ્ટ-ગ્રેજ્યુએટ કોર્સ કરી રહી છે. રાજગડકરે જણાવ્યું હતું કે મારી પુત્રીની એડમમિશનને જાળવી રાખવા માટે મારે પ્રથમ થોડાં લાખ રૂપિયા ચૂકવવા પડયા હતા.
Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer