ટીઆરપી સ્કેમ : અર્ણબ ગોસ્વામીની મુશ્કેલી વધી

દર્શકો વધારવા છેલ્લાં ત્રણ વર્ષમાં 40 લાખ રૂપિયા આપ્યા હોવાની દાસગુપ્તાની કબુલાત
મુંબઈ, તા.25 : ટીઆરપી સ્કેમ કેસમાં રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્ણબ ગોસ્વામીની મુશ્કેલી વધી ગઇ છે. આ કેસમાં ધરપકડ કરાયેલા બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક) ઇન્ડિયાના પૂર્વ સીઇઓ પાર્થ દાસગુપ્તાએ મુંબઈ પોલીસને લેખિત નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે ગોસ્વામીએ ટીઆરપીમાં રેટિંગ વધારવા માટે ત્રણ વર્ષમાં 40 લાખ રૂપિયા રોકડા તેમ જ બે ફેમિલી ટ્રીપ માટે 12 હજાર ડૉલર આપ્યા હતા. 
દાસગુપ્તાનું સ્ફોટક નિવેદન : 
હું અર્ણબ ગોસ્વામીને વર્ષ 2004થી ઓળખું છું. અમે બંને ટાઇમ્સ નાઉમાં સાથે જ કામ કરતા હતા. વર્ષ 2013માં બાર્કના સીઇઓ પદે મારી નિમણૂક થઇ હતી. વર્ષ 2017માં ગોસ્વામીએ પોતાની ટીવી ચેનલ રિપબ્લિક લોન્ચ કરી હતી. રિપબ્લિક ટીવીની લોન્ચિંગ સમયે તેણે મને પોતાની યોજના જણાવી દીધી હતી અને ટીઆરપીમાં સારી રેટિંગ માટે મદદ કરી હતી. ગોસ્વામીને ખબર હતી કે મને ટીઆરપી રેટિંગ વિશે ઘણી જાણકારી છે અને તે કેવી રીતે કાર્યરત થાય છે. તેણે મારી મદદ માગી હતી. મેં ટીઆરપી રેટિંગમાં હેરફેર સુનિશ્ચિત કરવા પોતાની ટીમ સાથે કામ કર્યું અને રિપબ્લિક ટીવીને નંબર વનની રેટિંગ આપી હતી. વર્ષ 2017થી 2019 એમ સતત ત્રણ વર્ષ ગોસ્વામીની ચેનલને નંબર વન પર રાખવાનું કામ મારી ટીમે કર્યું હતું. આના ઇનામ તરીકે ગોસ્વામીએ મને ફ્રાંસ અને સ્વિત્ઝરલૅન્ડની ફેમિલી ટ્રીપ માટે 6 હજાર ડૉલર આપ્યા હતા. વર્ષ 2019માં અર્ણબે સ્વીડન ટ્રીપ માટે 6 હજાર ડૉલર આપ્યા હતા. વર્ષ 2017માં ગોસ્વામીએ આઇટીસી હોટલ પરેલમાં વીસ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. તેમ જ વર્ષ 2018 અને 2019માં દસ દસ લાખ રૂપિયાનો વ્યવહાર કર્યો હતો. 
મુંબઇ પોલીસે 11 જાન્યુઆરીએ અદાલતમાં સોંપેલી 3600 પાનાંની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં દાવો કર્યો છે કે અર્ણબે દાસગુપ્તાની બે ફેમિલી ટ્રીપ માટે 875910 રૂપિયા આપ્યા હતા. ચાર્જશીટમાં બાર્કનો એક ફોરેન્સિક અહેવાલ પણ સોંપાયો છે, જેમાં અર્ણબ અને દાસગુપ્તા વચ્ચે થયેલા વ્હોટ્સ એપ પરની ચેટ અને પૂર્વ કાઉન્સિલ કર્મચારી, કેબલ અૉપરેટર સહિત 59 લોકો આ નિવેદનમાં સામેલ છે.   
અર્ણબ કેન્દ્રના આશીર્વાદ? :
ટીઆરપી કૌભાંડમાં અર્ણબ ગોસ્વામીની સંડોવણી હોવાના પૂરાવા હોવા છતાં મોદી સરકાર તેની કે તેની ચેનલ સામે કોઇ પગલાં ભરતી નથી. મોદી સરકાર અર્ણબ ગોસ્વામીને બચાવી રહી હોવાનો આક્ષેપ મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રવકતા સચિન સાવંતે કર્યો હતો. 
દાસગુપ્તાની હાલત સ્થિર :  મુંબઈ પોલીસે સોમવારે દાસગુપ્તાની જામીન અરજીની સુનાવણી દરમિયાન હાઈ કોર્ટને જણાવ્યું હતું કે ટીઆરપી કૌભાંડમાં ધરપકડ કરાયેલા બાર્કના પૂર્વ સીઇઓ પાર્થો દાસગુપ્તાની હાલત સ્થિર છે. દાસગુપ્તાને તલોજા જેલમાં તમામ તબીબી સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ કેસ બીજી ફેબ્રુઆરી સુધી મુલતવી રખાયો છે.
Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer