પ્રજાસતાક દિનની સાચી ઉજવણી

બે પાકિસ્તાની દીકરીઓનાં ગામના લોકોએ લગ્ન કરાવ્યાં
ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 25 : `કદાચ હું પાકિસ્તાનમાં હોત તો મારી દીકરીઓનાં લગ્ન આટલી ધામધૂમથી ના થયાં હોત. વરરાજાની જાન કરતા વધુ લોકો અમારા લગ્નમાં આવ્યા, અમે પાકિસ્તાનથી આવ્યા છીએ , પણ અમારો પરિવાર આખુંય ગામ બન્યો છે. ગામ લોકોનું આ ઋણ હું જીવનભર નહિ ભૂલી શકું. આ શબ્દો છે પાકિસ્તાનથી ભારત આવીને વસેલા મીઠુંભાઈ ઠાકોરના.  
મીઠુંભાઈ ઠાકોર છેલ્લાં 10 વર્ષથી પાકિસ્તાન છોડીને ભારત આવીને વસ્યા છે, પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ પર થતા અત્યાચારને કારણે થરપારકરમાં રહેતા મીઠુંભાઈ પોતાની પત્ની અને બે દીકરીઓને લઈ 15 જણાં સાથે ભારત આવ્યા હતા અને ભારતમાં એમના સંબંધી હોવાને કારણે મહેસાણાના કુકસ ગામમાં રહેતા હતા . પાકિસ્તાનમાં બધું છોડીને આવેલા મીઠુંભાઈ અને એમનાં પત્ની ખેત મજૂરી કરતા હતા. સમય જતા દીકરીઓ મોટી થઈ ગઈ અને લગ્નનો 
સમય આવ્યો ત્યારે એમની દીકરીઓની સગાઈ ઉનાવાના સુરજ અને રાધનપુરના હમીર સાથે નક્કી થયા. 
મીઠુંભાઈ માટે લગ્ન કરાવવા મુશ્કેલ હતા. એ જેમને ત્યાં ખેત મજૂરી કરતા હતા એ સેંધાભાઈ ચૌધરી પાસે લગ્નના ખર્ચ માટે ઉધાર પૈસા માગ્યા. એની આર્થિક પરિસ્થિતિથી વાકેફ સેંધાભાઈએ કુકસ ગામના રામદેવપીરના મંદિરના પાછળના ભાગની જમીન માગી. સેંધાભાઈએ `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું કે ગામ અમારું નાનું છે. 
ગામમાં ખબર પડી કે પાકિસ્તાનથી આવેલા આ પરિવારની બે દીકરી જમના અને નીલમનાં લગ્ન છે તો ગામના તમામ લોકોએ બંને દીકરીઓની જવાબદારી લઇ લીધી, એમના લગ્ન કરાવવાનું નક્કી કર્યું . ગામ લોકોએ ભેગા થઈ નક્કી કર્યું કે બંને દીકરીઓનાં લગ્ન કરાવીએ. ગામના લોકોએ કંકોત્રી છપાવવાથી માંડી, મંડપ અને જમણવારનો ખર્ચો ઉપાડી લીધો. 
પાકિસ્તાનથી ભારત આવીને વસેલા પાકિસ્તાની પરિવારોનું સંગઠન ચલાવતા કરમચંદ ઠાકોરે `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું કે અમારા જીવનમાં આ અભૂતપૂર્વ ઘટના હતી. કારણકે અમે પાકિસ્તાનથી ગુજરાતમાં વસેલા લોકોને સ્થાયી કરવાનો પ્રયાસ કરીયે છીએ પણ આવા લગ્ન કયારેય જોયા નથી. ગામના લોકોએ લગ્નનો ખર્ચ તો ઊપાડ્યો જ છે પણ જે રીતે મામેરામાં જે ભેટ સોગાદો આપી છે એ આખુંય ઘર વસાવવા માટે પૂરતું છે. ખરેખર પ્રજાસતાક  દિનના પહેલા જે રીતે લગ્ન થયા છે એ જોતા લાગે છે કે પાકિસ્તાનથી ત્રસ્ત થઇને આવેલાને ભારતીયો જ પ્રેમ આપી શકે.
Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer