દિલ્હીમાં કિસાન ટ્રેક્ટર રૅલી

3000 સ્વયંસેવકો તૈનાત : ચાર પ્રકારના સ્વયંસેવકો સંભાળશે વ્યવસ્થા : પહેલી ફેબ્રુઆરીના `સંસદ કૂચ'નું એલાન
નવી દિલ્હી, તા. 25 : કૃષિ કાયદાના વિરોધમાં કિસાન ગણતંત્ર દિવસ ઉપર ટ્રેકટર પરેડની તૈયારી થઈ છે. ત્યારે સરકાર પર દબાણ લાવવા નવો મોરચો ખોલતાં કિસાનોએ કેન્દ્રીય બજેટવાળા દિવસે એટલે કે પહેલી ફેબ્રુઆરીએ `સંસદકૂચ'નું એલાન કર્યું છે. દરમ્યાન, ગણતંત્ર દિવસ ટ્રેક્ટર પરેડ માટે ખેડૂતોએ પૂરી યોજના બનાવી લીધી છે. કિસાન નેતા દર્શન પાલે કહ્યું કે અમારી લડાઇ મોદી સરકાર સાથે છે. આવતીકાલે 9 જગ્યાએથી કિસાન ગણતંત્ર ટ્રેકટર પરેડ નીકળશે. જે પણ પરેડ નીકળશે તે શાંતિપૂર્ણ હશે અને તેનાથી દેશના ગણતંત્રની ઇજ્જત વધશે. યોજના હેઠળ ટ્રેક્ટર રેલી સવારે 10 વાગ્યે નીકળશે, જેમાં 3000 સ્વયંસેવક જોડાશે. ચાર પ્રકારના સભ્યો હશે. જેમાં એક સ્પેશિયલ સ્વયંસેવક રહેશે. જે કિસાન નેતાઓ સાથે રહેશે. દિલ્હી પોલીસે કિસાનોને ટ્રેક્ટર પરેડની અનુમતી આપી દીધી છે. 
ટ્રેકટર પરેડને ધ્યાને લેતાં દિલ્હીની સલામતી વધુ કડક બનાવવામાં આવી છે. ટ્રેકટર-રેલી માટે દિલ્હી પોલીસે 37 શરત સાથે મંજૂરી આપી હતી. કિસાનો પૂર્વ નિયત રૂટ પર રેલી કાઢી શકશે અને તેમાં ભડકાઉ ભાષણ તથા હથિયારો લઇ જવા પર મનાઇ ફરમાવવામાં આવી છે.
ગણતંત્ર દિવસ ઉપર નીકળતી રેલીમાં દરેક રૂટના હિસાબે સ્વયંસેવકોને વહેંચવામાં આવ્યા છે. જેમાં સામાન્ય સ્વયંસેવક, ટ્રાફિક વોલેન્ટિયર્સ, મહિલા સ્વયંસેવક અને વિશેષ સ્વયંસેવકનો સમાવેશ થાય છે. આ તમામ સ્વયંસેવકો કિસાન નેતા મંજીત સિંહ રોયના હેઠળ કામ કરશે. મંજીત સિંહ ટ્રેક્ટર રેલીના સિક્યોરિટી ઈન્ચાર્જ છે. 
સિંઘુ બોર્ડર ઉપર કિસાન નેતા બલદેવ સિંહ સિરસાએ કહ્યું હતું કે, આશા કરતા વધારે લોકો પહોંચી ગયા છે. 6 લાખ ટ્રેક્ટર અને લોકોની માહિતી મળી છે. સિરસાએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસ અને સરકારે આજ સુધી અમને કિસાન માન્યા નથી અને હવે પાકિસ્તાની આતંકવાદીઓની વાત કરવામાં આવી રહી છે.
Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer