ટ્રેક્ટર રૅલી માટે 26મી જાન્યુઆરીના બદલે અન્ય કોઈ દિવસ નક્કી કરી શકાયો હેત : કૃષિ પ્રધાન

ટ્રેક્ટર રૅલી માટે 26મી જાન્યુઆરીના બદલે અન્ય કોઈ દિવસ નક્કી કરી શકાયો હેત : કૃષિ પ્રધાન
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 25 : કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે ખેડૂતો ટ્રેક્ટર રૅલી માટે 26મી જાન્યુઆરીને બદલે બીજો કોઈ દિવસ નક્કી કરી શકતા હતા. પરંતુ હવે તેમણે જાહેરાત કરી દીધી છે. ટ્રેક્ટર રૅલી કોઈપણ અજૂગતી ઘટના વગર શાંતિપૂર્વક આયોજિત કરવી એ ખેડૂતો સાથે પોલીસ માટે પણ ચિંતાનો વિષય હશે.
તેમણે જણાવ્યું હતું કે કોઈપણ પોતાની અસંમતિ વ્યકત કરી શકે છે. કેટલાક ખેડૂતો કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા હતા. અમે વિચાર્યું કે વાતચીતના માધ્યમથી એક સમાધાન શોધવું જોઈએ અને સમસ્યાનો ઉકેલ આવી જશે એવી અમને હજી પણ આશા છે.
તોમરે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો અને ખેતી બંનેના હિત પ્રત્યે પ્રતિબદ્ધ છે. વડા પ્રધાનના નેતૃત્વમાં ખેડૂતોની આવક વધારવા, ખેતી માટે નવી ટેક્નિકનો ઉપયોગ કરવા અંગેની અનેક યોજના અને પ્રયાસ છેલ્લાં છ વર્ષમાં કરવામાં આવ્યા છે. ટેકાના ભાવ દોઢ ગણા કરવાનું કામ પણ થયું છે. જ્યાં કાયદા બનાવવાની જરૂર હતી ત્યાં કાયદા ઘડવામાં આવ્યા છે અને જ્યાં કાયદામાં પરિવર્તનની જરૂર હતી ત્યાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે. એની પાછળ સરકાર અને વડા પ્રધાનનો ઈરાદો સાફ છે.
તોમરે કહ્યું હતું કે ખેડૂતો સાથે 11મા તબક્કાની વાતચીત પછી પણ ઉકેલ નહીં આવ્યો ત્યારે મેં દોઢ વર્ષ માટે કાયદાનું અમલીકરણ સ્થગિત કરવાનું ખેડૂતોને કહ્યું હતું. અદાલતને પણ વાતચીત દ્વારા ઉકેલ આણવા માટે સમય આપવાની માગણી કરીશું. મને આશા છે કે આવનારા સમયમાં એનો ઉકેલ જરૂર મળી આવશે.
Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer