રાજ્યપાલને કંગનાને મળવાનો સમય છે, ખેડૂતો માટે નહીં : શરદ પવાર

રાજ્યપાલને કંગનાને મળવાનો સમય છે, ખેડૂતો માટે નહીં : શરદ પવાર
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 25 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ચીફ શરદ પવારે સોમવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતાસિંહ કોશિયારી પર પ્રહાર કરતા કહ્યું હતું કે રાજ્યપાલ પાસે અભિનેત્રી કંગના રનૌતને મળવાનો સમય છે, પણ આપણા ખેડૂતોને મળવા માટે સમય નથી. 
દિલ્હીના સીમાડે છેલ્લા બે મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોના ટેકામાં મહારાષ્ટ્રના ખેડૂતોની આઝાદ મેદાન ખાતેની એક રૅલીને સંબોધતા પવારે કહ્યું હતું કે મોર્ચા બાદ ખેડૂતો રાજ્યપાલને એક આવેદનપત્ર આપવાના હતા. તેમને આની ખબર હોવાછતાં તેઓ ગોવા ઉપડી ગયા હતા. મહારાષ્ટ્રને તેના ઈતિહાસમાં આવા રાજ્યપાલ મળ્યા નથી. તેમની પાસે કંગના માટે સમય છે, પણ ખેડૂતો માટે નથી. તેઓ ખેડૂતોને મળે એ જરૂરી હતું અને એ તેમની જવાબદારી હતી. 
તેમણે કહ્યું હતું કે દિલ્હીના સીમાડે માત્ર પંજાબના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, એમ ભાજપનું કહેવું છે. શું તેઓ પાકિસ્તાની છે કે પછી કોઈ આલતું-ફાલતું લોકો છે? આ એ પ્રજા છે જેમણે દેશનું અત્યાર સુધી સંરક્ષણ કર્યું છે. વડા પ્રધાને આંદોલનકારી ખેડૂતોની હાલતની પૃચ્છા કરવાની પણ તસ્દી લીધી નથી. 
Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer