સ્વ. કેશુબાપાને પદ્મભૂષણ, મહેશ-નરેશ કનોડિયાને પદ્મશ્રી

સ્વ. કેશુબાપાને પદ્મભૂષણ, મહેશ-નરેશ કનોડિયાને પદ્મશ્રી
દેશનાં સર્વોચ્ચ નાગરિક સન્માનોની ઘોષણા 
ગુજરાતનાં ફાળે કુલ ચાર એવોર્ડ : શિંઝો આબે અને એસ.પી. બાલસુબ્રમણ્યમને પદ્મ વિભૂષણ
નવીદિલ્હી, તા.25 : દેશનાં સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની આજે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ઘોષણા કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરવામાં આવેલા પુરસ્કારોમાં 119 પદ્મ, 7 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 102 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. જેમાં 29 મહિલાઓ, 10 વિદેશી, વિદેશીમૂળનાં કે એનઆરઆઈ, 16 મરણોત્તર અને 1 ટ્રાન્સજેન્ડર વ્યક્તિ વિશેષનો સમાવેશ થાય છે. 
આ વખતે ગુજરાતનાં હિસ્સે આમાંથી 4 સન્માન આવ્યા છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ દાદુદાન ગઢવી તથા ચંદ્રકાંત મહેતા, કલાજગતમાં ઉત્તમ પ્રદાન બદલ સ્વ.મહેશ અને નરેશ કનોડિયા ભાઈઓની બેલડીને પદ્મશ્રી સન્માનની ઘોષણા કરવામાં આવી છે. 
જાપાનનાં પૂર્વ વડાપ્રધાન શિંઝો આબે, ગાયક સ્વ. એસ. પી. બાલસુબમણ્યમને સર્વોચ્ચ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે આસામનાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. તરુણ ગોગોઈ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. રામવિલાસ પાસવાનને પદ્મભૂષણ સન્માનની ઘોષણા કરવામાં આવી છે. સામાન્ય રીતે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ જાહેર થતાં આ એવોર્ડનો અર્પણ સમારોહ પ્રતિવર્ષ માર્ચ કે એપ્રિલમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાતો હોય છે. જ્યાં રાષ્ટ્રપતિ દ્વારા આ એવોર્ડથી તમામ ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપનાર મહાનુભાવોને સન્માનિત કરવામાં આવતાં હોય છે.
Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer