કિસાનોના કલ્યાણ માટે સરકાર પ્રતિબદ્ધ

કિસાનોના કલ્યાણ માટે સરકાર પ્રતિબદ્ધ
પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
સૈનિકો, વૈજ્ઞાનિકો, સ્વાસ્થ્ય કર્મીઓનો કર્યો ઉલ્લેખ
નવી દિલ્હી, તા. 25 : ગણતંત્ર દિવસની પુર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિએ વાયરસની મહામારીનો ઉલ્લેખ કર્યો હતો અને તેના કારણે જીવ ગુમાનારા લોકોના પરિવારો પ્રત્યે શોક અને સંવેદના વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને પીડિતોની દેખભાળ કરનારા ડોક્ટર્સ, નર્સ, સ્વાસ્થ્ય કર્મીઓ, સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા પ્રશાસકો અને સફાઈ કર્મીઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ દરેક ક્ષણે દેશની રક્ષાની જવાબદારી નિભાવતા સૈનિકો ઉપર ગર્વ વ્યક્ત કર્યો હતો અને કોઈપણ દુ:સાહસને નિષ્ફળ બનાવવા માટે દેશની સેના સક્ષમ હોવાનું કહ્યું હતું. જ્યારે કિસાનોના કલ્યાણ સરકાર દેશ પ્રતિબદ્ધ હોવાની વાત કરી હતી. 
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, મહામારીમાં ઘણા લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. ગયા વર્ષે જ્યારે માનવતા એક આપદાનો સામનો કરવા થંભી ગઈ હતી. ત્યારે ભારતીય સંવિધાન મુળ તત્વો ઉપર મનન કરતું રહ્યું હતું. સંવૈધાનિક આદર્શના બળ ઉપર જ સંકટનો પ્રભાવી રીતે સામનો સંભવ બની શક્યો હતો. 
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, તમામ કિસાન, જવાન અને વૈજ્ઞાનિક વિશેષ અભિનંદનને પાત્ર છે અને કૃતજ્ઞ રાષ્ટ્ર ગણતંત્ર દિવસના શુભ અવસરે તમામને અભિનંદન પાઠવે છે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, દિવસ રાત પરિશ્રમ કરતા કોરોના વાયરસને ડી કોડ કરીને ખૂબ જ ઓછા સમયમાં રસી વિકસીત કરી વૈજ્ઞાનિકોએ માનવતાના કલ્યાણ માટે ઈતિહાસ રચ્યો છે.
રાષ્ટ્રપતિએ જવાનોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, સૈનિકોની બહાદુરી, દેશપ્રેમ અને બલિદાન ઉપર દેશવાસીઓને ગર્વ છે.  સિયાચિન અને ગલવાન ઘાટીમાં માઈનસ 50થી 60 ડિગ્રી તાપમાનથી લઈને જેસલમેરમાં 50 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપરના તાપમાનમાં સૈનિકો દેશની સુરક્ષાની જવાબદારી દરેક ક્ષણે નિભાવે છે. 
વિપરીત પ્રાકૃતિક પરિસ્થિતઓ અને અનેક પડકારો તેમજ કોરોનાની આપદા છતાં કિસાન ભાઈ બહેનોએ કૃષિ ઉત્પાદનમાં કોઈ કમી આવવા દીધી નથી. જેના માટે દેશ કિસાનોના કલ્યાણ માટે પુરી રીતે
પ્રતિબદ્ધ છે. ન્યાય, સ્વતંત્રતા, સમતા અને બંધુતા જીવન દર્શનનો શાશ્વત સિદ્ધાંત છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે, અંતરિક્ષથી લઈને કૃષિ ક્ષેત્ર અને શિક્ષણ સંસ્થાનોથી લઈને હોસ્પીટલ સુધી વૈજ્ઞાનિક સમૂદાયે જીવન અને કામકાજને વધુ સરળ બનાવ્યું છે. 
Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer