લૉકડાઉનના ભયથી દલાલ સ્ટ્રીટમાં રીંછ ભુરાટું

સેન્સેક્ષમાં 1145 પૉઈન્ટ અને નિફ્ટીમાં 306 પૉઈન્ટનો કડાકો   વાણિજ્ય પ્રતિનિધિ તરફથી   મુંબઈ, તા. 22 : દેશમાં કોરોનાના વધી રહેલા કેસો અને દરિયાપારના પ્રતિકૂળ અહેવાલોને પગલે શૅરબજારમાં જોરદાર વેચવાલી આવતાં સેન્સેક્ષમાં આજે કડાકો બોલી ગયો હતો. અમેરિકામાં ટ્રેઝરી બોન્ડની યીલ્ડમાં વધારો અને દેશમાં કોવિડ-19 સંક્રમણના કેસમાં વધારો થતાં ફરી લૉકડાઉનની ચિંતાએ સેન્સેક્ષ 1145 પૉઈન્ટ્સ (2.25 ટકા) ઘટીને 49,744.32ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 306.05 પૉઈન્ટ્સ (2.04 ટકા) ઘટીને 14,675.70 બંધ રહ્યો હતો.   મહારાષ્ટ્રમાં કોવિડ-19 દરદીઓની સંખ્યામાં વધારો થતાં ફરી લૉકડાઉન નખાવાની ચિંતાએ બજારનું સેન્ટિમેન્ટ બગડયંી હતું. પરિસ્થિતિ કાબૂમાં ન આવે તો ફરી લૉકડાઉન જાહેર કરવો પડશે એવી ચીમકી ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને રાજ્યના નાગરિકોને સંબોધન કરતા આપી હતી.   સ્થાનિક વેચવાલી સામે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ) દ્વારા અવિરત ખરીદીને લીધે બજારને ટેકો મળ્યો હતો. અમેરિકાનાં 10 વર્ષના બોન્ડની યીલ્ડ 1.36 ટકા થતાં ત્યાં ફુગાવામાં વધારો થવાની ચિંતા છે. ઉદાર નાણાકીય નીતિની સાથે બાયડન સરકાર દ્વારા કોવિડ-19 રાહત પૅકેજ માટે 1.9 લાખ કરોડ ડૉલરનો પ્રસ્તાવ મુકાતાં ફુગાવો વધી શકે છે. ઉપરાંત ફ્યુચર્સ ઍન્ડ અૉપ્શન્સ (એફઍન્ડઓ)ના માસિક કૉન્ટ્રેક્ટ્સની એક્સપાઈરીનું આ છેલ્લું સપ્તાહ હોવાથી બજારમાં વોલેટિલિટી વધતાં ઇન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સ 11 ટકા વધ્યો હતો.   વેચવાલીનાં દબાણ હેઠળ સેન્સેક્ષે આજે 50,000ની સપાટી ગુમાવી હતી. માત્ર ઓએનજીસી, કોટક મહિન્દ્ર બૅન્ક અને એચડીએફસી બૅન્કના શૅરના ભાવ એક ટકા જેટલા વધ્યા હતા. બીજી બાજુ ટેક મહિન્દ્ર (પાંચ ટકા), મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર (4.5 ટકા), ડૉ. રેડ્ડી'સ લેબ (4.5 ટકા), રિલાયન્સ, ઈન્ડસઈન્ડ બૅન્ક, એક્સિસ બૅન્ક, ટીસીએસ (4 ટકા) અને મારુતિ સુઝુકી (3 ટકા)ના ભાવ ઘટયા હતા.   બજારમાં નોંધપાત્ર ઘટાડા વચ્ચે બીએસઈમાં 200થી વધુ શૅર્સ બાવન અઠવાડિયાંની ઉપલી સપાટીને સ્પર્શયા હતા જેમાં જુબિલન્ટ ફૂડવર્ક્સ, વેદાંત, સ્ટરલાઈટ ટેકનૉલૉજીસ અને હિન્દાલકોનો સમાવેશ છે. મેટલ શૅરોમાં ધૂમ તેજી હતી.   સત્રમાં બે ટકા ઘટીને 15,000ની સપાટી ગુમાવનાર નિફ્ટીમાં અદાણી પોર્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિન્દાલકો, તાતા સ્ટીલ અને ઓએનજીસી સહિત ફક્ત 10 કંપનીઓના શૅર વધ્યા હતા. બાકીની 40 કંપનીઓના શૅર તૂટયા હતા.   એનએસઈમાં આઠ કંપનીઓના શૅર ભાવ બાવન અઠવાડિયાંની નીચલી સપાટીને સ્પર્શયા હતા, જેમાં એચએલઈ ગ્લાસકોટ, બેસ્ટ એગ્રોલાઈફ, એકેજી એક્ઝિમ, જેનેરિક એન્જિનિયરિંગ, ગ્લોબલ એજ્યુકેશન, રવીન્દ્ર હાઈટ્સ, સાંવરિયા કન્ઝ્યુમર અને સિલી મોન્ક્સ એન્ટરટેઈનમેન્ટનો સમાવેશ છે. જ્યારે હિન્દુસ્તાન કોપર, રત્નમણિ મેટલ, વૈભવ ગ્લોબલ, વરુણ બીવરેજીસ અને આદિત્ય બિરલા કૅપિટલના શૅર ભાવ બાવન અઠવાડિયાંની ઉપલી સપાટીને સ્પર્શયા હતા.   બજારના ઘટાડાની અસર વ્યાપક બજારમાં ઓછી જોવા મળી હતી. બીએસઈ મિડકૅપ અને સ્મોલકૅપ ઈન્ડેક્સ અનુક્રમે 1.34 ટકા અને એક ટકા ઘટયા હતા.   તાંબાના સંયોગો સુધરતાં નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં મેટલ ઈન્ડેક્સ 1.6 ટકા વધ્યો હતો. હિન્દુસ્તાન કોપર, રત્નમણિ મેટલ્સ, હિન્દાલકો, જેએસડબ્લ્યુ સ્ટીલ અને મોઈલના શૅર 14 ટકા જેટલા વધતા મેટલ ઈન્ડેક્સને ટેકો મળ્યો હતો.   બીજી બાજુ નિફ્ટી રિયલ્ટી, પીએસયુ બૅન્ક્સ, ફાર્મા, આઈટી અને મીડિયા સૂચકાંકો ત્રણ ટકા જેટલા ઘટયા હતા જ્યારે નિફ્ટી પ્રાઈવેટ બૅન્ક, એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને બૅન્ક ઈન્ડેક્સ બે ટકા જેટલા ઘટયા હતા.   વૈશ્વિક બજારો  ફુગાવો વધવાની ચિંતા અને બોન્ડની યીલ્ડ વધતા વૈશ્વિક સ્તરે શૅરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. 49 દેશોને આવરી લેતો એમએસસીઆઈનો અૉલ કંટ્રી વર્લ્ડ ઈન્ડેક્સ યુરોપમાં ટ્રેડિંગ શરૂ થયા બાદ 0.4 ટકા ઘટયો હતો. યુરોપિયન સ્ટૉક્કસ 600 ઈન્ડેક્સ એક ટકા ઘટયો હતો, જે છેલ્લા 10 દિવસની નીચલી સપાટી છે.   જર્મનીનો ડેક્સ, ફ્રાન્સનો કેક 40 અને સ્પેનનો આઈબીક્સ 35 ઈન્ડેક્સ એક ટકા ઘટયો હતો. બ્રિટનનો એફટીએસઈ 100 આજે 0.85 ટકા અને ઈટલીનો એફટીએસઈ એમઆઈબી ઈન્ડેક્સ 0.9 ટકા ઘટયો હતો. એસઍન્ડપી 500 ફ્યુચર્સ એક ટકા ઘટયો હતો, જે ચાર ફેબ્રુઆરી બાદની નીચલી સપાટી છે.  Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer