ડૉલર નબળો પડતાં સોનામાં તેજી

ડૉલર નબળો પડતાં સોનામાં તેજી
અમારા પ્રતિનિધિ તરફથી   રાજકોટ, તા. 22 : સાત મહિનાની નીચલી સપાટીએથી સોનાના ભાવમાં સુધારો થયો હતો. ડૉલરની તેજીમાં ખાંચરો પડતા સોનું ઊંચકાઇને ફરીથી 1800 ડૉલરની સપાટી તરફ ધસી જઈને 1796 ડૉલરના સ્તરે હતું. ચાંદી પણ વધીને 27.38 ડૉલર હતી. ડૉલરની નબળાઈ  છતાં ટ્રેઝરી યીલ્ડમાં  સુધારો જારી રહેતા સોનાની તેજી મર્યાદામાં રહી હતી.   ગયા શુક્રવારે ન્યૂ યોર્ક સેશનમાં સોનાનો ભાવ 1759 ડૉલરની સાત મહિનાની નીચલી સપાટીએ ગયો હતો. એ પછી આવેલો સુધારો ડૉલરને આભારી છે. અન્ય ચલણોની સામે ડૉલર તૂટ્યો હતો. જોકે, બેન્ચમાર્ક યુએસ ટ્રેઝરી યીલ્ડ એક વર્ષની ઊંચાઇએ હતા. ઇક્વિટી માર્કેટમાં પણ કડાકાનો દોર હતો એટલે સોનાની ખરીદી સહેજ વધી હતી. અમેરિકી પ્રમુખ ડૉ. બિડેન દ્વારા 1.9 ટ્રિલિયન ડૉલરનું કોવિડ પેકેજ હવે આવતા અઠવાડિયામાં બહાર પડે તેવી શક્યતા જોવાઇ રહી છે. અમેરિકી અર્થતંત્ર કોરોનામાંથી ઉગરી રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે. કારણકે ઉદ્યોગોની ગતિ ફરીથી વધવા લાગી છે. બીજી તરફ બિટકોઇનનું માર્કેટ કેપ શુક્રવારે 1 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે. એ કારણે ફંડો તે તરફ વધુ વળ્યા છે. એની અસર સોના પછી આજે ઇક્વિટી માર્કેટમાં પણ જોવા મળી હતી.   ભારતીય બજારમાં સોનાના ભાવ જૂન 2020 પછીના તળિયે ગયા હોવાથી ફિઝિકલ માગમાં વધારો થયો છે. એશિયન બજારોમાં પણ ખરીદી વધારે છે. સીએફટીસીના આંકડાઓ પ્રમાણે કૉમેક્સ સોનામાં સટ્ટાકીય પોઝિશનોમાં વધારો થયો છે. ખાસ કરીને ફંડો સોના કરતા ચાંદી તરફ વધારે આકર્ષાયા છે.   રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 190ના સુધારામાં રૂા. 48340 અને ચાંદીનો ભાવ રૂા. 200 વધીને રૂા.69000 હતો. મુંબઈ સોનું રૂા. 548 વધીને રૂા. 46649 અને ચાંદી રૂા. 956 વધતા રૂા. 69370 રહી હતી.  Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer