ફ્યુચર-રિલાયન્સ સોદાને સુપ્રીમ કોર્ટની લાલ ઝંડી

ફ્યુચર-રિલાયન્સ સોદાને સુપ્રીમ કોર્ટની લાલ ઝંડી
નવી દિલ્હી, તા. 22 : ફ્યુચર ગ્રુપ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચેના સોદાને સુપ્રીમ કોર્ટે લાલ ઝંડી બતાવી છે.  ફ્યુચર-રિલાયન્સ વચ્ચેના 3.4 અબજ ડૉલરના સોદામાં યથાવત્ સ્થિતિ જાળવી રાખવાના દિલ્હી હાઈ કોર્ટના એક ન્યાયધીશના આદેશનાં અમલને સ્થગિત કરતા દિલ્હી હાઈ કોર્ટના આદેશ સામે ઈ-કૉમર્સ કંપની એમેઝોને કરેલી અરજી વિશે સુપ્રીમ કોર્ટે આજે ફ્યુચર રિટેલ લિ. (એફઆરએલ)નો પ્રતિભાવ માંગ્યો હતો.  ન્યાયમૂર્તિ રોહિન્ટન નરીમાનના વડપણ નીચેની બેન્ચે એવો પણ આદેશ આપ્યો હતો કે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ સમક્ષની કાર્યવાહી ભલે ચાલુ રહે, પરંતુ ટ્રિબ્યુનલે પ્રસ્તુત સોદાને મંજૂરી આપવાને લગતો કોઈ આખરી આદેશ આપવો નહીં.  હવે પછીની સુનાવણી ત્રણ અઠવાડિયા પછી હાથ ધરાશે, જ્યારે એમેઝોને તેનો પ્રત્યાઘાત ત્યાર પછીના બે સપ્તાહમાં આપવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈ કોર્ટની બૅન્ચને પણ આ મામલામાં વધુ સુનાવણી કરવાની મનાઈ કરી છે.  જેફ બેઝોસની એમેઝોન અને કિશોર બિયાનીની ફ્યુચર રિટેલ વચ્ચે કાનૂની વિવાદ ચાલે છે. એમેઝોનનો આક્ષેપ છે કે પોતાની અસ્ક્યામતો મુકેશ અંબાણીની રિલાયન્સને વેચીને ફ્યુચર રિટેલે એમેઝોન સાથેના કરારનો ભંગ કર્યો છે. ફ્યુચર કહે છે કે તેણે કશું ખોટું કર્યું નથી.  Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer