ઈપીએફમાં રૂ 2.5 લાખથી વધુનું યોગદાન કરમુક્ત રાખવા નાણાપ્રધાનનો સંકેત

ઈપીએફમાં રૂ 2.5 લાખથી વધુનું યોગદાન કરમુક્ત રાખવા નાણાપ્રધાનનો સંકેત
ચેન્નઈ, તા. 22 : નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે કે વધુ આવક ધરાવનારાઓને એમ્લોયીઝ પ્રોવિડન્ટફંડ (ઈપીએફ)માં બચત કરતા રોકવાનો સરકારનો કોઈ ઈરાદો નથી, અમે ઈપીએફમાં કરમુક્ત યોગદાન પર રૂા. 2.5 લાખ મર્યાદા લાદવાના બજેટ પ્રસ્તાવની પુન: સમીક્ષા કરવા તેઓ તૈયાર છે.  ઈપીએફ તેના હાલના સ્વરૂપમાં ચાલુ રહેશે. તેને નેશનલ પેન્શન સ્કીમમાં ભેળવી દેવાનો કોઈ પ્રસ્તાવ નથી, એમ તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું.   અમે ઈપીએફ ચાલુ રાખવા માગીએ છીએ. અમને ખ્યાલ છે કે નિશ્ચિત વળતરની ખાતરી હોય તો ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો એક પ્રકારની નિરાંત અનુભવે છે. જે લોકો મહિને રૂા. 15000 થી વધુ કમાય છે. તેમને ઈપીએફમાં જોડાતા રોકવા નહી, એમ અમે નક્કી કર્યું છે. (કરમુક્ત યોગદાનની) રૂા. 2.5 લાખની મર્યાદા વિશે ફેરવિચાર થઈ શકે. પણ આ એક સિદ્ધાંતનો સવાલ છે. અમે માત્ર એ લોકોને અડીએ છીએ, જેઓ ઈપીએફના ભારતીય કર્મચારીના સરેરાશ વેતન કરતાં ક્યાંય વધુ રકમ જમા કરાવે છે, એમ તેમણે જણાવ્યું હતું.  નાણાપ્રધાને કહ્યું કે બજેટમાં રજૂ થયેલા આંકડાઓ વાસ્તવિક છે. પ્રત્યેક આંકડો, પ્રત્યેક લક્ષ્યાંક સિદ્ધ થઈ શકે તેમ છે કે નહીં તે વારંવાર ચકાસવામાં આવ્યું છે. આ બજેટને ફરીફરીને તપાસવામાં આવ્યું છે કે જે વાસ્તવિક રીતે પહોંચી શકાય તેમ હોય તે જ તેમાં પ્રતિબિંબિત થાય.  વિનિવેશ માટેનો રૂા. 1.75 લાખ કરોડનો લક્ષ્યાંક વધુ પડતો ઓછો છે કે કેમ એવા પ્રશ્નના જવાબમાં સીતારામને કહ્યું કે પ્રથમ નજરે એવું લાગે પરંતુ પાછળથી ખોટા પડવું તેના કરતાં પહેલેથી સાવચેત રહેવાનું હું વધુ પસંદ કરું.  નાણાપ્રધાને કહ્યું છે કે કઈ બૅન્કોનું ખાનગીકરણ કરવું- નફો કરી રહેલી, નાની અથવા મોટી - તે વિશે હતી કોઈ નિર્ણય લેવાયો નથી.  વિકાસલક્ષી નાણાં સંસ્થાઓ પાછળનો આશય એ છે કે લાંબાગાળાના માળખાકીય પ્રોજેક્ટો માટેનાં નાણાં તેમની મારફત આવે. બૅન્કોએ ટૂંકી મુદ્દતની ડિપોઝીટો લાંબો સમયમાં લેતા પ્રોજેક્ટોમાં અટકાવી દેવાને બદલે વેપાર ઉદ્યોગની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વિકાસલક્ષી નાણાસંસ્થાઓ અને બૅન્કોના લોન પોર્ટફોલિયોમાં સ્પષ્ટ તફાવત હોવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.  કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ પરની એકસાઈઝ ડયૂટી કેમ ઘટાડતી નથી. એવા પ્રશ્નના જવાબમાં નાણાપ્રધાને કહ્યું કે આ નિર્ણય કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને લેવાનો છે જેથી પરિસ્થિતિને શ્રેષ્ઠ રીતે હાથ ધરી શકાય.  વડા પ્રધાન મોદી દ્વારા સંસદમાં ખાનગી ક્ષેત્રના બચાવ વિશે તેમણે કહ્યું કે સરકાર ભાજપની આર્થિક ફિલસૂફીને હંમેશા અનુસરતી આવી છે. આપને સમાજવાદની, જુગાડ કહી શકાય તેવી, વિચારધારામાં ખૂબ આગળ વધી ગયો હતો. આયાતી વિચારોમાં થોડા થોડા સુધારા વધારા થતા રહેતા હતા, જેથી આપણી પરિસ્થિતિ સાથે એનો કોઈક રીતે મેળ બેસાડી શકાય. આપણે એ પણ સ્વીકારવું જોઈએ કલ્યાણરાજ્યની ઈજારાશાહી સમાજવાદ પાસે નથી. અર્થતંત્રની કામગીરી નબળી હોય અને સંપત્તિનું સર્જન થાય નહી તો સામાજિક સેવાઓને અસર થવાની જ છે.  Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer