મોહન ડેલકરે સાત વખત દાદરા નગર હવેલીનું લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું

મુંબઈ, તા.22 : મોહન સાંજીભાઈ ડેલકરનો જન્મ 19 ડિસેમ્બર 1962ના રોજ થયો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમ જ દમણ અને દિવથી તે લોકસભા (સંસદ)ના સભ્ય તરીકે સાત વખત ચૂંટાયા છે. ડેલકર કૉંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાવા ઉપરાંત તેમણે અમૂક સમય માટે પોતાની પાર્ટી પણ શરૂ કરી હતી. 22મી ફેબ્રુઆરીએ મુંબઈની એક હૉટેલમાં તેમનો મૃતદેહ મળ્યો અને આશંકા છે કે તેમણે આપઘાત કર્યો છે.  મોહન ડેલકરના પિતા સાંજીભાઈ ડેલકર વર્ષ 1967માં દાદરા અને નગર હવેલીની લોકસભામાં ચૂંટાયા હતા. તે કૉંગ્રેસમાં હતા. વર્ષ 1969માં પક્ષમાં તિરાડ પડતા તે મોરારજી દેસાઈની એનસીઓમાં જોડાયા પરંતુ 1971માં તે લોક સભાની ચૂંટણીમાં જીતી શક્યા નહોતા.   મોહન દેલકરે તેમની કારકિર્દીની શરૂઆત સિલવાસાના ટ્રેડ યુનિયન નેતા તરીકે કરી હતી અને તેમણે વિવિધ ફેક્ટરીઓમાં આદિવાસી લોકોના હક માટે લડત આપી હતી. ત્યારબાદ વર્ષ 1985માં તે આદિવાસી વિકાસ સંઘઠનમાં જોડાયા હતા.  દાદરા અને નગર હવેલીથી તે સ્વતંત્ર પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1991 અને 1996માં તે લોક સભામાં ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ તરફથી ફરી ચૂંટાયા હતા. વર્ષ 1998માં તે ભાજપ તરફથી ફરી ચૂંટાયા અને વર્ષ 1999 તે સ્વતંત્ર રીતે અને 2004માં તે ભારતીય નવશક્તિ પાર્ટી (બીએનપી)ના વતીથી ચૂંટાયા હતા. 4 ફેબ્રુઆરી 2009ના રોજ તે ફરી ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસમાં જોડાયા હતા. વર્ષ 2019માં કૉંગ્રેસથી પોતાને અલગ રાખ્યા હતા અને સ્વતંત્ર નેતા તરીકે ચૂંટાયા હતા. જોકે, વર્ષ 2020માં તે જનતા દળ (યુનાઈટેડ)માં જોડાયા હતા.    Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer