ગુજરાતની છ મહાપાલિકાની ચૂંટણીનાં આજે પરિણામ

અમદાવાદ, તા. 22 : કોરોના મહામારી વચ્ચે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર મળીને કુલ 6  મહાનગર માટે રવિવારે મતદાન યોજાયું હતું. ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર રીતે આજે જાહેર કરાયેલા 6 મનપામાં સરેરાશ 45.64 ટકા મતદાન થયું છે. જે 2015માં યોજાયેલી ચૂંટણીઓ કરતા 0.17 ટકા ઓછું છે જ્યારે 2010 કરતા 1.95 ટકા વધુ છે. કુલ 575 બેઠકની ચૂંટણીમાં 2276 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયા છે. જેનું પરિણામ આવતીકાલે તા.23 ફેબ્રુઆરી ને મંગળવારના રોજ જાહેર થશે. આ વખતે ભાજપ, કોંગ્રેસ, આપ અને ઓવૈસીની એઆઇએમઆઇએમ પાર્ટી સહિત અન્ય પક્ષો અને અપક્ષો હોવાથી મતોનું ધ્રુવિકરણ થવાની પૂરી સંભાવનાને લઇને આ વખતના પરિણામો આશ્ચર્યજનક આવે તેવી શક્યતા દર્શાવાઇ રહી છે.     છ મહાનગરપાલિકા પૈકી અમદાવાદમાં 1 બેઠક પહેલાથી જ બિનહરીફ જાહેર થતા, રવિવારે 575 બેઠક ઉપર મતદાન યોજાયું હતું. 2015ની જેમ આ ચૂંટણીમાં સૌથી વધુ મતદાન જામનગર શહેરમાં નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદ શહેરમાં નોંધાયું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી આખરી મતોના આંક પ્રમાણે અમદાવાદમાં 42.51 ટકા થયું છે, જે 2015 કરતા 4 ટકા ઓછું મતદાન છે. રાજકોટમાં 50.75 ટકા મતદાન થયું છે, જે 2015 કરતા 0.71 ટકા વધુ છે વડોદરામાં 47.99 ટકા મતદાન થયું હતું જે 2015 કરતા 0.72 ટકા ઓછું છે. સુરતમાં 45.51 ટકા મતદાન થયું હતું જે 2015 કરતા 5.52 ટકા વધુ છે. જામનગરમાં 53.64 ટકા મતદાન થયું છે જે 2015 કરતા 3.13 ટકા ઓછું છે. જ્યારે ભાવનગરમાં 49.47 ટકા મતદાન થયું હતું જે 2015 કરતા 1.68 ટકા વધુ છે. આમ 2021માં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતમાં 5.52 ટકા, રાજકોટમાં 0.71 ટકા અને ભાવનગરમાં 1.68 ટકા મતદાન વધુ થવા પામ્યું છે. જ્યારે અમદાવાદમાં 4 ટકા, વડોદરામાં 0.72 ટકા અને જામનગરમાં 3.13 ટકા મતદાન 2015 કરતા ઓછું થયું છે.   નોંધનીય બાબત એ છે કે, અમદાવાદમાં છેલ્લા 15 વર્ષથી જ્યારે બાકીની 5 મહાનગરપાલિકામાં 20 વર્ષથી ભાજપ સત્તાસ્થાને રહ્યો છે. સતત 15 વર્ષથી અમદાવાદમાં ધૂરા સંભાળનાર ભાજપને આ વખતે માત્ર 42.51 ટકા મતદાન થતાં ભાજપના નેતાઓના શ્વાસ અધ્ધર થઇ જવા પામ્યા હતા. ભાજપના નેતાઓએ રવિવારે મતદાતાઓને મતદાન મથક સુધી લાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જો કે, સમગ્ર 6 મહાનગરોના મતદાનમાં મહિલાઓએ નિરાશાજનક મતદાન કર્યું હતું. કોરોના મહામારી, મુદ્દા વિનાની ચૂંટણી, વહીવટી તંત્રની અવ્યવસ્થા અને નવા ચહેરાઓને કારણે આ વખતે ચૂંટણીમાં ટેમ્પો જામ્યો ન હતો. એવી પણ ચર્ચા થઇ રહી છે કે, મોંઘવારી, પેટ્રોલ અને માસ્ક પેનલ્ટીના નામે ત્રાસેલા મતદારોએ પણ મત નહીં નાખી પોતાનો રોષ ઠાલવ્યો હતો.  દરમિયાનમાં 2010 અને 2015માં અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકોની ચૂંટણી વખતે ભાજપને 2010માં 54.55 ટકા વોટશેર સાથે 151 બેઠકો મળી હતી જ્યારે 2015માં 51.06 ટકા વોટશેર સાથે 142 બેઠકો મળી હતી. એ જ રીતે કોંગ્રેસને 2010માં 33.73 ટકા વોટશેર સાથે 38 બેઠક મળી હતી જ્યારે 2015માં 42.33 ટકા વોટશેર સાથે 49 બેઠક મળી છે.   રાજકોટ મહાનગરપાલિકામાં 2010ની ચૂંટણીમાં ભાજપને 53.30 ટકા વોટશેર મળતા 57 બેઠકો મળી હતી. જ્યારે 2015માં 46.97 ટકા વોટશેર મળતા 38 બેઠકો પ્રાપ્ત થઇ હતી. બીજી બાજુ કોંગ્રેસને 2010માં 36.80 ટકા વોટશેર મળતા 11 બેઠકો મળી હતી જ્યારે 2015માં 46.37 ટકા વોટશેર મળતા 34 બેઠકો પ્રાપ્ત થઇ હતી.  Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer