એલ્ગાર કેસ : વરવરા રાવને છ મહિનાના મેડિકલ જામીન

મુંબઈ, તા.22 : મુંબઈ હાઈ કોર્ટે એલ્ગાર પરિષદ - માઓવાદી સંબંધ મામલે આરોપી અને કવિ વરવરા રાવને ચિંતાજનક પ્રકૃતિના આધારે સોમવારે છ મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. ન્યાયાધીશ એસ. એસ. શિંદે અને ન્યાયાધીશ મનીષ પિટાલેની ખંડપીઠે રાવ (82)ની વય , ચિંતાજનક પ્રકૃતિ, જેલમાં તેને આપવામાં આવતી આરોગ્ય સુવિધાનો અહેવાલ જોયા બાદ રાવને છ મહિનાના જામીન આપ્યા હતા. રાવની સારવાર હાલ મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં ચાલી રહી છે. 28 અૉગસ્ટ 2018થી રાવ જ્યુડિશીયલ કસ્ટડીમાં છે અને આ કેસની તપાસ એનઆઇએ કરી રહ્યુ છે. રાવને જામીન આપ્યા બાદ કોર્ટે ટકોર કરી શરતો રાખી હતી કે રાવ તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે. તપાસ પ્રભાવિત ન થાય તેની જવાબદારી રાવ અને તેના વકીલની રહેશે. રાવ મુંબઇ શહેરની એનઆઇએ કોર્ટના નયાયાધિકાર ક્ષેત્રમાં જ રહેશે અને અન્ય કોઇપણ સ્થળે જવાની તેને પરવાનગી નથી. પચાસ હજારના શરતી બોન્ડ રાવે કોર્ટમાં ત્રણ તબક્કામાં જમા કરાવાના રહેશે. આ ઉપરાંત તે જામીન પર છૂટયા બાદ આ કેસ સાથે સંકળાયેલા કોઇના પણ સંપર્કમાં રહેશે નહીં. મુંબઇ પોલીસને દર પખવાડિયે વિડિયો કોલ કરી પોતાની તબિયતની જાણકારી આપવાની રહેશે. આ તમામ શરતો રાવે મંજૂર રાખ્યા બાદ તેના જામીનને મંજૂરી આપવામાં આવી હતી.  Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer