મહેસૂલ વિભાગના આઠ કર્મચારી કોરોના સંક્રમિત

મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે એવામાં રાજ્યનો કારભાર જે મંત્રાલયમાંથી કાર્યરત છે એવા મંત્રાલયના મહેસૂલ વિભાગના આઠ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. મહેસૂલ વિભાગમાં કામ કરતા બાવીસ કર્મચારીઓ સોમવારે એકસાથે ગેરહાજર હતા. આ બાબતે વિભાગે તમામ અધિકારીઓની પૂછપરછ કરી હતી. બાવીસ પૈકી આઠ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું હતું અને જ્યારે અન્ય કર્મચારીઓને સામાન્ય તાવ હોવાથી ગેરહાજર રહ્યા હતા. આ તમામ અધિકારીઓને પણ કોરોનાનું પરીક્ષણ કરાવવાના આદેશ અપાયા હતા. તેથી આ વિભાગના કોરોનાના દરદી વધે એવી શકયતા છે.   મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બાવીસ અધિકારીઓમાંથી આઠને કોરોના પૉઝિટિવ આવ્યો છે અને આ આંકડાવારી વધવાની છે. ફરી એકવાર કામકાજ ઠપ્પ થાય એવી શકયતા છે. મંત્રાલયમાં કોવિડ-19ના નિયમોની અમલબજાવણી કડકપણે કરવાની માગણી સરકારી બાબુઓએ કરી છે.    Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer