ફ્રેન્ડશિપ કરી અશ્લીલ વીડિયો બનાવનારી આંતરરાજ્ય ટોળકી ઝડપાઈ

મુંબઈ, તા. 22 : વૉટ્સઍપ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કરી અશ્લીલ વીડિયો અને તસવીરો પાડી બ્લૅકમેલ કરતી આંતરરાજ્ય ગૅંગને મુંબઇની સાયબર પોલીસે તાબામાં લીધી છે. ટેકનૉલૉજીનો દુરુપયોગ કરીને આ ગૅંગે લોકોને સોશિયલ મીડિયા પર બ્લૅકમેલ કરી સેકસટોર્શન માગવાની શરૂઆત કરી હતી. પોલીસે આ કેસમાં ત્રણ જણની હરિયાણા, રાજસ્થાનમાંથી ધરપકડ કરી છે. આ આરોપીઓ મહિલાના નામ અને તસવીરનો ઉપયોગ કરી જુદા જુદા સોશિયલ મીડિયાનાં માધ્યમ પર લોકો સાથે મિત્રતા કરતા હતા. થોડા દિવસો બાદ તે વ્યકિતના તમામ મિત્રો અને પરિવારની જાણકારી મેળવ્યા બાદ જે તે વ્યકિતને વીડિયો કૉલ કરી અશ્લીલ વીડિયો અને તસવીરો બતાવી તેનું રેકોર્ડિંગ કરી તેની પાસે સેકસટોર્શનની માગણી કરાતી હતી. આરોપીઓ પાસે 58 બૅન્ક ખાતાં, 171 બનાવટી ફેસબુક પેજ, પાંચ ટેલિગ્રામ ચૅનલ્સ, ફોન પે, ગૂગલ પે મળી આવ્યાં છે. ગૂગલ સર્ચનો ઉપયોગ કરી આ આરોપીઓ લોકોને ફસાવવાનો કારસો રચતા હોય છે. તેને માટે વિશેષ તાલીમ પણ લે છે.     Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer