સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે ખાનગી ક્ષેત્રને વડા પ્રધાનનું આહ્વાન

અમારા પ્રતિનિધિ તરફથી  નવી દિલ્હી, તા. 22  : દેશને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે ઘરઆંગણે સૈન્ય સંસાધનોનું સંશોધન, ડિઝાઈન અને ઉત્પાદન કરવામાં ખાનગી ક્ષેત્ર મોટી ભૂમિકા ભજવી શકે તેમ છે એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. તેમણે ખાનગીક્ષેત્રને 21મી સદીની જરૂરત અનુસાર રોડ મેપ અને એક્શન યોજના ઘડી કાઢવા સરકાર સાથે સંકલન સાધવાનો  અનુરોધ કર્યો હતો.  કેન્દ્રીય અંદાજપત્ર 2021માં સંરક્ષણ ક્ષેત્રની જોગવાઈઓના અસરકારક અમલ અંગેના એક વેબિનારને સંબોધતાં પીએમ મોદીએ કહ્યું કે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં સૌથી મોટા આયાતકાર પૈકીનો એક છે. કોરોના વાયરસ મહામારીની શરૂઆતમાં ભારતમાં એક પણ વેન્ટિલેટરનું ઉત્પાદન થતું ન હતું પરંતુ આજે પણ ઘણી સંખ્યામાં વેન્ટિલેટરનું ઉત્પાદન કરીએ છીએ. આ પ્રકારે આપણી પાસે આપણું ઉત્પાદન બનાવવા માટે પર્યાપ્ત પ્રતિભા છે.  પીએમે કહ્યું કે ભારતે સંરક્ષણના ક્ષેત્રથી જોડાયેલા 100 એવી મહત્ત્વપૂર્ણ સંરક્ષણ વસ્તુઓની સૂચિ બનાવી છે જેને આપણે આપણા સ્થાનિક ઉદ્યોગોની મદદથી ઉત્પાદિત કરી શકીએ છીએ.  Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer