નવેમ્બર પછી દેશમાં સક્રિય કેસોમાં મોટો ઉછાળો

સતત બીજા દિવસે મળ્યા 14,000થી વધુ નવા કેસ  નવી દિલ્હી, તા. 22 : ભારતમાં એક તરફ કોરોનાને નાથવા માટે વર્ષના પ્રારંભથી છેડાયેલાં રસીકરણ અભિયાને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું. બીજી તરફ, સંક્રમણ ઘટવા પણ માંડતાં `હવે મહામારી ખતમ' તેવા વિચાર સાથે ચિંતામુક્ત બની ગયેલા નાગરિકોએ માસ્ક પહેરવાથી માંડીને સામાજિક અંતર જાળવવા સુધીનાં શિસ્તને નેવે મૂકી દેતાં નવેસરથી કાળમુખા વાયરસે માથું ઊંચકયું છે. દેશમાં નવેમ્બરના અંત બાદ સારવાર હેઠળ હોય તેવા સક્રિય કેસોની સંખ્યામાં સૌથી વધુ ઉછાળો આવ્યો છે અને સોમવારે ત્રણ ટકાના વધારા સાથે 4421 સક્રિય કેસ વધી જતાં છેલ્લા 17 દિવસ બાદ સક્રિય કેસોની સંખ્યા ફરી આજે દોઢ લાખને પાર પહોંચી ગઇ હતી. બીજી તરફ, આજે સળંગ બીજા દિવસે 14 હજારથી વધુ નવા કેસ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 1.10 કરોડને આંબી ગઇ છે.  સોમવારે સળંગ પાંચમા દિવસે વધારા સાથે આજ સહિત પાંચ દિવસમાં 13,506 સક્રિય કેસો વધી ગયા છે.  મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, છતીસગઢ અને મધ્યપ્રદેશ મળીને પાંચ રાજ્યોમાં નવા કેસોમાં ઝડપભેર વધારાનાં પગલે સક્રિય કેસોમાં છેલ્લા એક અઠવાડિયાંમાં 13.8 ટકાનો ઉછાળો આવ્યો છે.  સંક્રમણમાં અચાનક વધારાથી સાબદી બની ગયેલી દેશની સરકારે આ પાંચ રાજ્યોના નાગરિકોને ચેતવણી આપતાં સંક્રમણની સાંકળ તોડવા કોવિડ-19 સંબંધિત તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે.  સૌથી મોટી ચિંતાજનક હકીકત તો એ છે કે, સક્રિય કેસોમાં 74 ટકા મહારાષ્ટ્ર અને કેરળના છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ અને કાશ્મીરમાં પણ રોજ નવા કેસ ગતિભેર વધી રહ્યા છે.  દેશમાં આજે 14,199 નવા કેસ સામે આવતાં દર્દીઓની કુલ સંખ્યા વધીને એક કરોડ, 10 લાખ, 5850 થઇ ગઇ છે.  સંક્રમણમાં ઉછાળા સાથે સક્રિય કેસ પણ વધી રહ્યા છે. દેશમાં સોમવારે 4421 સક્રિય કેસો વધતાં આજની તારીખે દોઢ લાખથી વધુ 1,50,055 સક્રિય કેસો છે.  આમ, લગાતાર પાંચ દિવસથી ઉછાળાનાં પગલે કુલ સંક્રમિત સંખ્યાની તુલનામાં સારવાર હેઠળ છે, તેવા સક્રિય કેસોનું પ્રમાણ ફરી વધીને 1.36 ટકા થઇ ગયું છે.  દેશમાં આજે વધુ 83 દર્દી કોરોનાનો કોળિયો બની જતાં મરણાંક વધીને 1,53,385 થયો છે. મૃત્યુદર 1.42 ટકા પર સ્થિર છે. બીજીતરફ, ભારતમાં સોમવારે વધુ 11,695 દર્દી ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં કુલ એક કરોડ, છ લાખ, 99,410 દર્દી સ્વસ્થ થઇ ચૂક્યા છે. રિકવરી રેટઘટીને 97.22 ટકા થઇ ગયો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર) તરફથી મળતા આંકડા અનુસાર અત્યાર સુધી દેશમાં કુલ 21 કરોડ, 15 લાખથી વધુ ટેસ્ટ થઇ ચૂક્યા છે.    Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer