પુડુચેરીમાં સરકાર પડતાંની સાથે દક્ષિણ ભારતમાંથી કૉંગ્રેસનો સફાયો

મયુર પરીખ તરફથી પુડુચેરી, તા. 22 : પુડુચેરીમાં કૉંગ્રેસની સરકાર વિશ્વાસના મતનો સામનો ન કરી શકી. મતદાન શરૂ થાય તે પહેલાં જ કૉંગ્રેસના વિધાનસભ્યોએ સભાત્યાગ કર્યો અને ત્યાર બાદ મુખ્ય પ્રધાન નારાયણ સામીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. પુડુચેરીમાંથી સરકાર જવાનો મતલબ છે કૉંગ્રેસ પાર્ટીનો દક્ષિણ ભારતમાંથી સંપૂર્ણ સફાયો થઇ જવો. પુડુચેરીમાં સત્તાને કારણે કમ સે કમ કૉંગ્રેસીઓ એવું કહી શકતા હતા કે દક્ષિણ ભારતમાં તેમનો પગ છે. હવે કૉંગ્રેસીઓ માત્ર એટલું જ કહી શકશે કે કેરલના વાયનાડથી રાહુલ ગાંધી સાંસદ છે. બે વર્ષ પહેલાં કર્ણાટકમાં કૉંગ્રેસની હાર થઇ હતી. અગાઉ એવું લાગી રહ્યું હતું કે વાયનાડમાં રાહુલ ગાંધી ચૂંટણી જીતી ગયા તેમ જ કર્ણાટકમાં ગઠબંધન સરકાર બનાવીને કૉંગ્રેસ પાર્ટીએ દક્ષિણ ભારતના રાજકારણમાં રિ-એન્ટ્રી કરી છે, પરંતુ આ જીતને કૉંગ્રેસ પાર્ટી પચાવી ન શકી. દક્ષિણ ભારતનાં રાજ્યોમાં કૉંગ્રેસનો ભૂતકાળ અને વર્તમાન જાણવા જેવો છે. તેલંગણા/આંધ્ર પ્રદેશ : 1953માં આ રાજ્યની સ્થાપના થયા બાદ 30 વર્ષ સુધી કૉંગ્રેસનું એકચક્રી શાસન રહ્યું, પરંતુ 1980માં તેલુગુ દેશમ પાર્ટીની સ્થાપના થયા બાદ અહીં કૉંગ્રેસના વળતાં પાણી થયાં. 1983માં પહેલી વખત બિનકૉંગ્રેસી સરકાર બની. ત્યારબાદ કૉંગ્રેસ પાર્ટી અહીં કદી પહેલાની જેમ એકચક્રી શાસન ન ભોગવી શકી. અહીંથી કૉંગ્રેસ પાર્ટીએ પૂર્વ વડા પ્રધાન પી.વી. નરાસિંહરાવ પણ દેશને આપ્યા હતા. હવે આજની તારીખમાં આંધ્ર પ્રદેશ અને તેલંગણા એ બંને રાજ્યમાંથી કૉંગ્રેસનો પગ પૂરી રીતે નીકળી ચૂક્યો છે. કર્ણાટક : એક સમયે અહીં કૉંગ્રેસ પાર્ટી સફળ રાજનીતિ કરી રહી હતી. જોકે, એચ.ડી. દેવેગૌડાએ જનતા દળનો પાયો આ રાજ્યમાં મજબૂત કર્યો. તેઓ વડા પ્રધાન પણ બન્યા, પરંતુ ભારતીય જનતા પાર્ટીને યેદિયુરપ્પા નામનો સ્થાનિક ચહેરો મળી ગયો અને ત્યારથી કૉંગ્રેસ પાર્ટી મુખ્ય ધારાથી બહાર થઈ ગઈ. કેરલ : લાંબા સમયથી કૉંગ્રેસ પાર્ટી કેરલની રાજનીતિથી બહાર છે. અહીં ડાબેરી પક્ષોનો દબદબો છે. હવે રાહુલ ગાંધી અહીંથી લોકસભાની ચૂંટણી લડીને ડાબેરીઓને તગેડી મૂકવા માગે છે, પરંતુ આ લડાઈ લાંબી ચાલશે એવું લાગે છે. તામિલનાડુ : તામિલનાડુ એવું રાજ્ય છે જ્યાં કૉંગ્રેસ પાર્ટીના સર્વશ્રેષ્ઠ નેતાઓ હતા. કે. કામરાજ જેવા નેતાએ રાષ્ટ્રીય સ્તર પર કૉંગ્રેસ પાર્ટી માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા, પરંતુ એલટીટીઇ અને શ્રીલંકામાં ચાલી રહેલા ઘમસાણને કારણે કૉંગ્રેસ પાર્ટી અહીંથી પણ ખલાસ થઇ ગઈ. પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા પણ આ જ કારણોથી થઇ. એકંદરે કૉંગ્રેસ પાર્ટી દક્ષિણ ભારતમાંથી ખલાસ થઈ ગઈ. આજની તારીખમાં આખા દેશની તસવીર જોઈએ તો પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કૉંગ્રેસ સત્તામાં છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કૉંગ્રેસ ગઠબંધન સરકારમાં સામેલ છે. હવે કૉંગ્રેસની સામે પાંચ રાજ્યોમાં ચૂંટણી જીતવાનો પડકાર છે. પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરલ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. પશ્ચિમ બંગાળમાં ડાબેરી પાર્ટી સાથે કૉંગ્રેસનું ગઠબંધન છે. બીજી તરફ તામિલનાડુમાં ડીએમકે સાથે ભેગા મળીને કૉંગ્રેસ પાર્ટી ચૂંટણી લડવાની છે. જ્યારે કેરલ અને આસામમાં કૉંગ્રેસ સામા પવને ચૂંટણી લડશે. કહેવાની જરૂર નથી કે કૉંગ્રેસ પાર્ટી માટે આવનાર દિવસો પડકારજનક છે. Published on: Tue, 23 Feb 2021