માર્ચથી રિક્ષા અને ટૅકસીનાં ભાડાંમાં ત્રણ રૂપિયાનો વધારો

મુંબઈ, તા. 22 : મુંબઇમાં આગામી સોમવારથી અૉટો રિક્ષા અને ટૅકસીનાં ભાડાંમાં ત્રણ રૂપિયાના વધારાને મંજૂરી આપ્યા બાદ રિક્ષા અને ટૅકસીનાં લઘુતમ ભાડાં અનુક્રમે રૂપિયા 21 અને પચીસ થઇ જશે એવી જાહેરાત મહારાષ્ટ્ર પરિવહન પ્રધાન અનિલ પરબે કરી હતી. ડીઝલ - પેટ્રોલની વધી રહેલી કિંમતોની અસર હવે જાહેર પરિવહન પર પડી રહી છે. મુંબઇ મહાનગર ક્ષેત્રમાં અૉટો અને ટૅકસીનાં ભાડાંમાં વધારો કરાયો છે. અૉટો- ટૅકસીનાં લઘુતમ ભાડાંમાં ત્રણ રૂપિયાનો વધારો કરાયો છે. અૉટોનું લઘુતમ ભાડું 18 રૂપિયાથી વધારીને 21 રૂપિયા કરાયું છે, જ્યારે કાળી-પીળી (સાદી) ટૅકસીનું લઘુતમ ભાડું બાવીસ રૂપિયાથી વધારીને 25 રૂપિયા કરી દેવાયું છે. આ ભાડાં આવતા સોમવારથી અમલમાં મુકાશે. મુંબઇ, થાણે અને નવી મુંબઇના અૉટો - ટૅકસી યુનિયનોએ ભાડાવધારાનું સ્વાગત કર્યું છે. છ વર્ષ બાદ ભાડું વધી રહ્યું હોવાથી ચાલકોને તેનો લાભ થશે જ્યારે સામાન્ય માણસના ખિસ્સાએ અતિભાર સહન કરવો પડશે. મુંબઇ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ અૉથોરિટીએ જણાવ્યું હતું કે ખટુઆ સમિતિ સાથે કરાયેલી સમીક્ષા બાદ રિક્ષા અને ટૅકસીનાં ભાડાં વધારાનો નિર્ણય લેવાયો છે. લઘુતમ ભાડામાં ત્રણ રૂપિયાનો જ્યારે ત્યારબાદના પ્રતિ કિલોમીટર ટૅકસીના 2.09 રૂપિયા અને રિક્ષાના 2.01 રૂપિયા કરી દેવાયા છે. અૉટો રિક્ષામાં 1.5 કિલોમીટરના અંતર માટે પહેલી માર્ચથી એકવીસ રૂપિયા અને ત્યારબાદ પ્રત્યેક કિલોમીટરમાં 2.01 રૂપિયા વધારાના આપવા પડશે એવી જ રીતે ટૅકસીમાં 1.5 કિલોમીટરના અંતરના 25 રૂપિયા બાદ પ્રત્યેક કિલોમીટર માટે 2.09 રૂપિયા મુંબઇગરાએ ચૂકવવા તૈયાર રહેવું પડશે. નોંધનીય છે કે છેલ્લે રિક્ષા અને ટૅકસીનો ભાડાવધારો પહેલી જૂન 2015ના દિવસે કરાયો હતો. Published on: Tue, 23 Feb 2021